ઘોઘંબાની PM શ્રી શાળાની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી,ભારે વરસાદથી નુકસાન, વહીવટી તંત્રની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી.

ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામે આવેલી પીએમ શ્રી શાળાની કમ્પાઉન્ડ વોલ ભારે વરસાદને કારણે ધરાશાયી થઈ છે. ૩૧ જુલાઈ, ૨૦૨૬ ના રોજ બપોરે ૪:૦૦ કલાકે વરસેલા અતિ ભારે વરસાદને લીધે શાળાના મુખ્ય ગેટ નજીકનો દીવાલનો મોટો ભાગ તૂટી પડ્યો હતો.

સદનસીબે, વહીવટી તંત્રની સમયસૂચકતા અને ભારે વરસાદની આગાહીને કારણે વિદ્યાર્થીઓને અગાઉથી રજા આપી દેવામાં આવી હતી. આથી, ઘટના સમયે શાળા પરિસરમાં કોઈ વિદ્યાર્થી કે અન્ય બાળક હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટનાને પગલે વાલીઓ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

આ શાળા નજીક આવેલા કોઝવે પર પણ ભારે વરસાદને કારણે પુષ્કળ પાણી ફરી વળ્યા હતા. આ માર્ગ પર પાણી ભરાવાની સમસ્યા સતત રહેતી હોવાથી સ્થાનિકો અને ગ્રામજનો દ્વારા આ કોઝવેને ઊંચો બનાવવાની ખાસ માંગ કરવામાં આવી છે.

ચોમાસાની ઋતુમાં અને ભારે વરસાદી માહોલ વચ્ચે નાના બાળકોને શાળાએ આવવા-જવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, અને જીવનું જોખમ પણ રહેલું છે. તેથી, વાલીઓ અને તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી પ્રબળ લોકમાગ ઉઠી છે.