
જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત દાહોદ દ્વારા જણાવાયું છે કે, વર્ષ ૨૦૨૬-૨૭ માટે મુખ્યમંત્રી વનબંધુ કૃષિ યાંત્રિકીકરણ યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિ (ST) ના ખેડૂતો માટે “વનબંધુ સર્વિસ પ્રોવાઈડર યુનિટ” ઘટકમાં બીજા તબક્કાની ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું છે.
આદિજાતિ ખેડૂત લાભાર્થીઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ (i-Khedut Portal 2.0) તા. ૧૯-૦૮-૨૦૨૬ થી તા. ૦૩-૦૯-૨૦૨૬ સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે.
યોજનાની મુખ્ય વિગતો અને શરતો:
સહાયનું પ્રમાણ: સંપૂર્ણ સર્વિસ પ્રોવાઈડર યુનિટની ખરીદી પર કુલ ૫૦% સહાય મળવાપાત્ર રહેશે.
સાધનોની ખરીદીના નિયમો: ખેડૂતોએ પોતાના વિસ્તાર અને પાક પદ્ધતિ મુજબ દર્શાવેલ કુલ ૭ કેટેગરીમાંથી ટ્રેક્ટર સહિત ઓછામાં ઓછા ૪ ઓજારો/સાધનો વસાવવાના રહેશે. દરેક કેટેગરીમાંથી કોઈપણ એક જ ઓજાર કે સાધન પસંદ કરી શકાશે.
સમાવિષ્ટ ઓજારો/સાધનોની કેટેગરી:
1. ટ્રેક્ટર: ૩૫ PTOHP થી વધુ ક્ષમતાનું ટ્રેક્ટર.
2. ખેડ તથા જમીન તૈયારીના સાધનો: પ્લાઉ, હેરો, લેવલર, કલ્ટીવેટર, રોટાવેટર, બંડ ફોર્મર, રીઝર, સબ સોઈલર, પોસ્ટ હોલ ડીગર, પાવર હેરો.
3. વાવણીના સાધનો: ઓટોમેટીક ડ્રીલ, પ્લાન્ટર, ટ્રાન્સપ્લાન્ટર.
4. નીંદણ/આંતરિક ખેડના સાધનો: પાવર વીડર, રોટરી પાવર ટીલર.
5. કાપણી/થ્રેશીંગના સાધનો: રીપર/બાઈન્ડર, ડીગર, ડીગર કમ શેકર, બ્રશ કટર, ક્રોપ/કંબાઈન હારવેસ્ટર, થ્રેશર.
6. ક્રોપ રેસીડ્યું મેનેજમેન્ટના સાધનો: હે રેક, શ્રેડર, બેલર, સુપર સ્ટ્રો મેનેજમેન્ટ સિસ્ટમ, સ્ટ્રો રીપર/મલ્ચર.
7. પાક સંરક્ષણ સાધનો: ટ્રેક્ટર/પાવર સંચાલિત સ્પ્રેયર, બુમ સ્પ્રેયર.
યોજનાનો લાભ લેવા ઈચ્છુક આદિજાતિ ખેડૂતોએ સમયમર્યાદામાં પોર્ટલ પર અરજી કરી લેવી. વધુ માહિતી માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી) અથવા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીનો સંપર્ક સાધવો જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દાહોદ દ્વારા જણાવાયું છે.