ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા દાહોદ જિલ્લની પ્રજા માટે એક મહત્વપુર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લાના નાગરિકોને સરકારી યોજનાઓના લાભો અને વહીવટી સેવાઓ પોતાના ધરની આસપાસ જ સરળતાથી મળી રહે તે હેતુથી દાહોદ જિલ્લામાં નવી સુખસર પ્રાંત કચેરીની રચના કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ જિલ્લાની હયાત પ્રાંત કચેરીઓનુ પુન: વિભાજન કરીને તાલુકાઓની નવી ફાળવણી પણ કરી દેવામાં આવી છે. અગાઉ વર્ષ-૨૦૧૪ ના ઠરાવ મુજબ દાહોદ જિલ્લામાં કુલ ૪ પ્રાંત કચેરીઓ કાર્યરત હતી. પરંતુ તાજેતરમાં સુખસર અને ગોવિંદ ગુ લીમડી જેવા નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવ્યા બાદ વહીવટી સરળતા માટે દાહોદ કલેકટરની દરખાસ્ત પર સરકારે મંજુરીની મહોર મારી દીધી છે. હવેથી જિલ્લામાં નવી સુખસર પ્રાંત કચેરી ઉમેરાતા એકંદર ૫ પ્રાંત કચેરીઓ કાર્યરત થશે. રાજય સરકારના મહેસુલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર આદેશ અનુસાર જિલ્લાની પાંચ પ્રાંત કચેરીઓનુ નવુ વહીવટી માળખુ જાહેર કરાયુ છે. જેમાં દાહોદ પ્રાંત હેઠળ દાહોદ અને ગરબાડા તાલુકા, દે.બારીઆ પ્રાંત હેઠળ દે.બારીઆ અને ધાનપુર તાલુકા, લીમખેડા પ્રાંત હેઠળ લીમખેડા અને સીંગવડ તાલુકા, ઝાલોદ પ્રાંત હેઠળ ઝાલોદ અને ગોવિંદ ગુ લીમડી તાલુકા તેમજ નવીન સુખસર પ્રાંત હેઠળ ફતેપુરા, સુખસર અને સંજેલી તાલુકાનો સમાવેશ કર્યો હતો.