બિસ્માર રસ્તાઓને લઈ છોટાઉદેપુર ટ્રાન્સ્પોર્ટ ઉદ્યોગો મૃત અવસ્થામાં

છોટાઉદેપુર જિલ્લામાં વિકાસના દાવાઓ વચ્ચે ટ્રાન્સ્પોર્ટ ઉદ્યોગની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. જિલ્લામાં ૩૦૦ થી વધુ ટ્રકો ટ્રાન્સ્પોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલી હોવા છતાં જર્જરિત પુલો, બિસ્માર રસ્તાઓ અને ભારે વાહનોની અવર જવર પરના પ્રતિબંધને કારણે ટ્રાન્સ્પોર્ટરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખાસ કરીને ૩૦ ટનથી વધુ માલ ભરેલા ભારે વાહનોને કેટલાક પુલો પરથી પસાર થવા દેવામાં આવતા ન હોવાથી વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો સહારો લેવો પડે છે. પરિણામે એક ફેરામાં જ ૪૦ થી ૫૦ કિ.મી.સુધીનો વધારાનો રસ્તો કાપવો પડે છે. ટ્રાન્સ્પોર્ટરો માટે વધારાનો ફેરો હવે સોૈથી મોટી સમસ્યા બની રહ્યો છે.એક તરફ ડિઝલના ખર્ચમાં વધારો, વાહનોના મેન્ટેનન્સનો વધતો ખર્ચ અને ડ્રાઈવર-કંડકટરના ખર્ચા વધી રહ્યો છે. તો બીજી તરફ વેપારીઓ તરફથી ટ્રાન્સ્પોર્ટના ભાડામાં પ્રમાણસર વધારો કરવામાં આવતો ન હોવાનો ટ્રાન્સ્પોર્ટરોનો આક્ષેપ છે. જેના કારણે લાંબા અંતરના વધારાના ફેરામાં થતો ખર્ચ ટ્રાન્સ્પોર્ટરોના નફામાંથી જ કપાઈ રહ્યો છે. છોટાઉદેપુરથી વડોદરા સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોને જોડતા માર્ગો પર આવેલા કેટલાક પુલો ભારે વાહનો માટે અડચણ‚પ બન્યા છે. પુલોની હાલત ધ્યાનમાં રાખીને ભારે વાહનો પર નિયંત્રણ મુકવામાં આવતા ટ્રક ચાલકોને લાંબો વૈકલ્પિક માર્ગ અપનાવવો પડે છે. આથી એક તરફ માલ પહોંચાડવામાં વધુ સમય લાગે છે અને બીજી તરફ વાહનનો ઈંધણ ખર્ચ પણ નોંધપાત્ર રીતે વધી જાય છે.