છોટાઉદેપુર નગરપાલિકામાં મેલેથિયાન પાઉડર સપ્લાય કરનાર એજન્સીએ નબળી ગુણવત્તાનો પાઉડર સપ્લાય કરતા તેને દંડ આપવાને બદલે નગરપાલિકાના ચીફ ઓફિસરે માત્ર ઠપકો આપી સંતોષ માની લીધો છે. અને ૩૦૦ બેગનો પાઉડર પરત કરી દીધો છે.
છોટાઉદેપુર નગરપાલિકામાં મેલેથિયન પાઉડર સપ્લાય માટે છોટાઉદેપુરની પ્રમુખ કોર્પોરેશન એજન્સી દ્વારા પાઉડર સપ્લાયનુ ટેન્ડર મેળવેલ છે. એજન્સી જે પાઉડર સપ્લાય કર્યો હતો જેમાં ગુણવત્તા પર સવાલો ઉભા થયા હતા. આમ છતાં નગરપાલિકાના ચીફ ઓફિસરે પાઉડરના નમુના લઈ તેને સેમ્પલમાં મોકલવાને બદલે સપ્લાય કરવામાં આવ્યો હતો તે તમામ પાઉડર પરત કરી દેવામાં આવ્યો છે. જયારે હવે પછી એજન્સી સારી કવોલિટીનો પાઉડર નહિ આપે તો તેની એજન્સી બ્લેક લિસ્ટ કરવામાં આવશે તેવી ચિમકી આપી સંતોષ માણી લીધો હતો. પાઉડરનો જે જથ્થો એજન્સીએ નગરપાલિકાને સપ્લાય કર્યો તેમાં સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, ડોલોમાઈટ પાઉડર આવે છે તેવા પાઉડરનો છંટકાવ નગરપાલિકામાં વિસ્તારમાં કરવામાં આવતા સમગ્ર ભોપાળુ બહાર આવ્યુ છે. જયારે ચોમાસાની સીઝનમાં મચ્છરનો ઉપદ્રવ વધી જતો હોય તેનાથી બચાવવા માટે આ પાઉડરનો છંટકાવ કરવામાં આવે છે ત્યારે એજન્સીએ આવો જથ્થો ફાળવવો ત્યારે નગરપાલિકાના સત્તાધિશો કેમ ધ્યાન ના આપ્યુ તેના ઉપર સવાલો ઉભા થયા છે.