દે.બારીઆના ગુણા ગામે ખેતરમાં દિપડો દેખાતા ગ્રામજનોમાં ભય

દે.બારીઆ તાલુકાના ૫ીપલોદ નજીક ગુણા ગામે ખેતરમાં દિપડો દેખા દેતા ખેડુતો સહિત ગ્રામજનોમાં ડર ફેલાયો હતો. જોકે વન વિભાગની તપાસમાં દિપડો આ વિસ્તાર છોડીને જતો રહ્યો હોવાનુ જણાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

દે.બારીઆ તાલુકામાં પીપલોદ નજીક આવેલ ગુણા ગામ ખાતે પટેલ ફળિયા વિસ્તારમાં રહેણાંક ધર નજીક ખેતરમાં દિપડો જોવા મળતા ખેતર માલિક સહિત નજીક રહેતા આજુબાજુના લોકોમાં ડરનો માહોલ ઉભો થયો હતો. પરંતુ વન વિભાગ બારીઆને આ વાતની જાણ થતાં તરત જ વન કર્મીઓએ જે તે સ્થળ ઉપર પહોંચી દિપડાની તેના પગલાના નિશાનથી શોધખોળ કરી હતી. પરંતુ દિપડો તે વિસ્તાર છોડી જતો રહ્યો હોવાનુ જણાતા ખેડુતો તેમજ નજીકના લોકોને હાશકારો થયો હતો. હાલમાં ચોમાસુ ચાલતુ હોય અને દરેક જગ્યાએ ખેડુતોએ ખેતીવાડી કરેલી હોય છે. ખેડુતોને પોતાના ખેતરમાં કોઈપણ કામકાજથી જવુ પડતુ હોય છે. અને એવા સંજોગોમાં દિપડા જેવા હિંસક પ્રાણીઓ કયાંક આવી ગયા હોય ત્યારે કદાચ માનવજાત માટે તેમજ પશુઓ માટે જીવનુ જોખમ પણ રહેતુ હોય છે. ગુણા ગામના ડુંગર ઝાડી અને પથ્થરોની ગુફાઓ હોવાનુ પણ કહેવાય છે. જેને કારણે દિપડા, ઝરખ જેવા પ્રાણીઓ વસવાટ કરતા હોય છે. અને શિકારની શોધમાં માનવ વસાહત અથવા ખેતરોમાં આવી જતા હોય છે.