
લાંબા સમયથી ચાલતી માંગનો આવ્યો અંત: મુસાફરોને સુવિધા સાથે સમય અને મુસાફરીમાં મળશે રાહત.
ઝાલોદ એસ.ટી. ડેપોને વધુ એ.સી. બસ મળે તે માટે નાગરિકોને સેવાનો મહત્તમ લાભ લેવા અપીલ.
ઝાલોદ નગરના મુસાફરોની લાંબા સમયથી ચાલતી અમદાવાદ-ઝાલોદ વચ્ચે એ.સી. બસ સેવા શ કરવાની માંગને આખરે વેગ મળ્યો છે. ઝાલોદ નગરને નવી એ.સી. બસ સેવાની ભેટ મળી છે. હવે ઝાલોદથી અમદાવાદ અને અમદાવાદ થી ઝાલોદ વચ્ચે મુસાફરો માટે આરામદાયક એ.સી. બસ દોડશે.
ઝાલોદ થી અમદાવાદ જવા માટે બસ સવારે ૧૦:૪૫ કલાકે અને સાંજે ૬:૦૦ કલાકે ઉપડશે. જ્યારે અમદાવાદથી ઝાલોદ આવવા માટે બસ સવારે ૬:૦૦ કલાકે અને બપોરે ૧:૦૦ કલાકે ઉપડશે. આ બસ સેવાનું ભાડું . ૩૬૩ નક્કી કરવામાં આવ્યું છે.
નવી એ.સી. બસ સેવાના પ્રારંભ પ્રસંગે ઝાલોદ એસ.ટી. ડેપો મેનેજર નિલેશ મુનિયા તથા ઝાલોદ એસ.ટી. સલાહકાર સમિતિના સભ્ય ભરત માળી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી બસ સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
અમદાવાદ સાથે ઝાલોદને જોડતી આ એ.સી. બસ સેવા વિદ્યાર્થીઓ, નોકરી-ધંધા માટે અમદાવાદ જતા લોકો, વેપારીઓ તેમજ અન્ય મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ખાસ કરીને લાંબી મુસાફરી દરમિયાન મુસાફરોને વધુ આરામદાયક અને સુવિધાયુક્ત મુસાફરીનો લાભ મળશે.
ઝાલોદ નગરમાં લાંબા સમયથી કરવામાં આવતી માંગ પૂર્ણ થતાં નગરજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. નવી બસ સેવાને જનસુખાકારી અને જાહેર પરિવહનની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
ઝાલોદ એસ.ટી. ડેપોને ભવિષ્યમાં વધુ એ.સી. બસ સેવા મળે અને ઝાલોદથી અન્ય શહેરો સાથે પણ વધુ સુવિધાયુક્ત બસ કનેક્ટિવિટી વિકસે તે માટે નાગરિકો દ્વારા આ નવી સેવાનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.
નવી એ.સી. બસ સેવા માત્ર મુસાફરીની સુવિધા નથી, પરંતુ ઝાલોદના વિકાસ, જનસુખાકારી અને અમદાવાદ સાથેની વધુ સારી પરિવહન કનેક્ટિવિટી તરફનું મહત્વપૂર્ણ પગલું છે.