અકસ્માતમાં ઘાયલ યુવકને મદદે દોડી આવ્યા મામલતદાર, સમયસર સારવારથી બચ્યો કિંમતી સમય

બાલાસિનોર-ભાંથલા રોડ પર બાઈક સ્લીપ થતાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત સમયે બાલાસિનોરના મામલતદાર સ્થળ પરથી પસાર થઈ રહ્યા હતા. ઘટના નજરે પડતાં તેમણે તાત્કાલિક પોતાનું વાહન રોકી ઇજાગ્રસ્ત યુવકની મદદ માટે દોડી જઈ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂ‚ં પાડ્યું હતું.

મળતી માહિતી મુજબ, યુવક બાઈક લઈને ભાંથલા તરફ જઈ રહ્યો હતો. ત્યારે અચાનક બાઈક સ્લીપ થઈ જતાં રોડ પર પટકાયો હતો. અકસ્માતમાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતાં મામલતદારે વિલંબ કર્યા વગર ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી હતી. સાથે જ સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્ત યુવકને રોડ પરથી સલામત સ્થળે ખસેડી પ્રાથમિક સહાય પૂરી પાડી હતી.૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે બાલાસિનોર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

મામલતદારની સમયસૂચકતા અને ત્વરિત નિર્ણયના કારણે ઇજાગ્રસ્ત યુવકને સમયસર સારવાર મળી શકી હતી. ઘટના સ્થળે હાજર લોકોએ પણ મામલતદારની સંવેદનશીલ કામગીરીની પ્રશંસા કરી હતી. હાલમાં યુવકની સારવાર ચાલી રહી છે.