છોટાઉદેપુર નજીકથી પસાર થતા અને મધ્યપ્રદેશને જોડતા મહત્વના માર્ગ પર આવેલો ઓરસંગ નદીનો બ્રિજ છેલ્લા કેટલાક સમયથી ખખડધજ હાલતમાં ફેરવાયો હતો.
પ્રતિવર્ષ ચોમાસા દરમિયાન બ્રિજ પર પાણી ભરાઈ રહેવાની અને તેના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે માર્ગ પર મોટા ખાડા પડી જવાની સમસ્યા સર્જાય છે. જેના કારણે વાહનચાલકો અને સ્થાનિકોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો હતો.
તાજેતરમાં જ કોન્ટ્રાક્ટર દ્વારા આ બ્રિજ પર પડેલા ઊંડા ખાડાઓનું પુરાણ કામ શ કરાયું છે. રોડનું રિપેરિંગ થતાં જ આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહનચાલકોએ રાહતનો શ્ર્વાસ લીધો છે. ખાડા પુરાઈ જવાથી અકસ્માત થવાનો અને વાહનોને નુકસાન પહોંચવાનો મોટો ભય ટળ્યો છે.
આ બ્રિજ નેશનલ હાઈવે ૫૬ પર આવેલો છે, જે ગુજરાતના છોટાઉદેપુરને મધ્યપ્રદેશના અલીરાજપુર સાથે જોડે છે. બ્રિજની જર્જરિત હાલતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તેના પર ૩૦ ટનથી વધુ વજન ધરાવતા ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે.
છતાં પણ, ૩૦ ટનથી વધુ ક્ષમતા ધરાવતા ઓવરલોડ વાહનો ખુલ્લેઆમ બ્રિજ પરથી પસાર થાય છે. તંત્રના કડક નિયંત્રણના અભાવે બ્રિજની સ્થિતિ દિન-પ્રતિદિન વધુ જોખમી બની રહી છે.