
બાલાસિનોર શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્રની કાર્યવાહી સતત બીજા દિવસે પણ ચાલુ રહી હતી. શહેરમાંથી પસાર થતા અમદાવાદ હાઈવેની બંને બાજુ આવેલા કાચા અને પાકા દબાણો દૂર કરવા માટે બુલડોઝર સાથે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહીના પ્રથમ દિવસે અંદાજે ૨૦૦થી વધુ દબાણો દૂર કરાયા હતા. જ્યારે બીજા દિવસે પણ લગભગ ૧૦૦ જેટલા દબાણો હટાવવામાં આવ્યા છે. અમદાવાદ ઢાળથી લઈને ફગવા જકાતનાકા સુધીના વિસ્તારમાં હાઈવેની બંને બાજુના દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે.
શહેરના મુખ્ય બજાર માંથી પસાર થતા હાઈવે પર મોટા પાયે દબાણોને કારણે માર્ગ સાંકડો બન્યો હતો. આનાથી વાહનચાલકોને મુશ્કેલી પડતી હતી અને વ્યસ્ત સમયે ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કામગીરી મામલતદાર રાજેન્દ્રસિંહ વાઘેલાની દેખરેખ હેઠળ થઈ રહી છે. દબાણ હટાવ ઝુંબેશમાં નાયબ કલેક્ટર, મામલતદાર, ચીફ ઓફિસર, ટાઉન પીઆઈ અને પોલીસનો કાફલો પણ જોડાયો છે.
તંત્ર દ્વારા કાચા તેમજ પાકા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેવાની શક્યતા છે. દબાણો દૂર થયા બાદ શહેરના મુખ્ય માર્ગો વધુ ખુલ્લા બનશે અને ટ્રાફિકની સમસ્યામાં રાહત મળવાની અપેક્ષા છે.