ગોધરા શહેરના અઙખઈ માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલા તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘના ડેપોમાં ખાતરનો જથ્થો ખૂટી પડ્યો છે. જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાતર મેળવવા માટે જીલ્લા સહકારી સંઘ ખાતે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે.
ખેડૂતોના જણાવ્યા અનુસાર, તેમને છેલ્લા બે થી ચાર દિવસથી ખાતર લેવા માટે સતત ધક્કા ખાવા પડી રહ્યા છે. પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાને કારણે ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ફરજ પડી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
ખાતરની અછત જેવી સ્થિતિને પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે, સહકારી સંઘના ડેપો ખાતે ખાતરનો પૂરતો જથ્થો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે અને તેમને સરળતાથી ખાતર મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે.
બીજી તરફ, જીલ્લાના સ્થાનિક ખાતર વેપારીઓ પાસે પણ પૂરતો જથ્થો પહોંચી રહ્યો ન હોવાની માહિતી સામે આવી છે. આ સ્થિતિને કારણે ગોધરા સહિત સમગ્ર પંથકમાં ખાતરની તીવ્ર અછત સર્જાઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
ખેડૂતોને સમયસર અને પૂરતું ખાતર મળી રહે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે.