ગોધરા તાલુકાના ભીમા ગામે એક વાંદરાએ આતંક મચાવ્યો છે. છેલ્લા એક મહિનામાં આ વાંદરાએ દિવ્યાંગ મહિલા સહિત ચાર ગ્રામજનો પર હુમલો કરી તેમને ઇજાગ્રસ્ત કર્યા છે. ગ્રામજનોની રજૂઆત છતાં વન વિભાગે વાંદરાને પકડવાને બદલે ‘સુતડી બોમ્બ ફોડીને ભગાડવાની’ સલાહ આપી છે.
આ ઘટનાઓમાં, ભીમા ગામના પાલબેન પટેલ નામના દિવ્યાંગ મહિલા પોતાના ઘરના આંગણામાં બેઠા હતા ત્યારે વાંદરાએ તેમના પગના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. આ હુમલામાં ઘાયલ થયેલા મહિલા સહિત અન્ય લોકોને તાત્કાલિક સારવાર માટે ગોધરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગામમાં અત્યાર સુધીમાં ચાર લોકો આ વાંદરાના હુમલાનો ભોગ બન્યા છે.
ગ્રામજનોએ વાંદરાને પાંજરે પૂરીને પકડવા માટે વન વિભાગને વારંવાર રજૂઆતો કરી છે. જોકે, વન વિભાગના અધિકારીઓ તરફથી ‘સુતળી બોમ્બ ફોડીને વાંદરાને ભગાડો’ જેવા જવાબો મળ્યા છે.
વન વિભાગની આ નિષ્ક્રિયતા અને બેદરકારીને કારણે સમગ્ર ગામ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યું છે. ગ્રામજનોએ તંત્ર તાત્કાલિક આ વાંદરાને પકડીને લોકોને ભયમુક્ત કરે તેવી માંગ કરી છે.