
પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી ‘જલ જીવન મિશન’ (નલ સે જલ) યોજનામાં કરોડો પિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. આ મામલે ઘોઘંબા તાલુકાના જાગૃત નાગરિકો, સામાજીક આગેવાનો અને આદિવાસી સમાજના પ્રતિનિધિઓ દ્વારા પંચમહાલ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી છે.
આવેદનપત્રમાં જણાવાયું છે કે, ઘોઘંબા તાલુકો આદિવાસી બહુલ અને પછાત વિસ્તાર છે, જ્યાં દરેક ઘરમાં શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવા માટે સરકારે કરોડો પિયાની ગ્રાન્ટ ફાળવી હતી. સરકારી પોર્ટલ પર અનેક ગામોમાં યોજના ૧૦૦ ટકા પૂર્ણ થઈ હોવાનું અને તમામ ઘરોને લાભ મળતો હોવાનું દર્શાવાયું છે.
જોકે, વાસ્તવિક સ્થિતિ સરકારી રેકોર્ડથી વિપરીત છે. આજે પણ સ્થાનિક લોકો પીવાના પાણી માટે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ગ્રામજનોએ આ કરોડો પિયાના પ્રોજેક્ટમાં બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરો અને જવાબદાર સરકારી અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.