છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખને આખરે બોગસ જાતિના પ્રમાણપત્રને લઈ જિલ્લા કલેકટરે સસ્પેન્ડ કર્યા

છોટાઉદેપુર નગરપાલિકાની ચુંટણી વખતે વોર્ડ નં.-૪માં અનુસુચિત જનજાતિ અનામત બેઠક ઉપર મંજુલાબેન કિશનભાઈ કોળીએ ભાજપના મેન્ડેટ ઉપર ચુંટણી લડી વિજેતા જાહેર થયા હતા. ત્યારબાદ ભાજપે તેઓને છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ તરીકે બેસાડ્યા હતા. જયારે તેઓએ બોગસ જાતિનુ પ્રમાણપત્ર મેળવ્યુ હોવાનુ વિશ્ર્લેષણ સમિતિમાં સાબિત થતાં વિશ્ર્લેષણ સમિતિએ તેઓનો દાખલો રદ્દ કરવા માટે છોટાઉદેપુર મામલતદારને સુચના આપી હતી.

નગરપાલિકાના પ્રમુખે સભ્ય પદ ન જાય તે માટે જિલ્લા કલેકટર પાસે દાદ માંગી હતી. પરંતુ જિલ્લા કલેકટરે તા.૨૭/૦૭/૨૦૨૬ ના રોજ આખરી સુનાવણી રાખી હતી. જેમાં નગરપાલિકાના પ્રમુખ પાસે આધાર-પુરાવા માંગતા નગરપાલિકાના પ્રમુખ જિલ્લા કલેકટરને યોગ્ય પુરાવા આપી ન શકતા જિલ્લા કલેકટરે નગરપાલિકાના પ્રમુખને સસ્પેન્ડ કર્યા છે.

નગરપાલિકાના પ્રમુખને સસ્૫ેન્ડ કરાતા છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નં.-૪ની બેઠક ખાલી થઈ છે. છોટાઉદેપુર નગરપાલિકા અને છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં તાલુકા પંચાયતમાં બોગસ દાખલા મેળવીને ચુંટણી લડનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. છોટાઉદેપુર નગરપાલિકામાં હવે ભાજપનુ શાસન જાય તેવી સ્થિતિનુ નિર્માણ થયુ છે. છોટાઉદેપુર નગરપાલિકામાં ઈન્ચાર્જ પ્રમુખ તરીકે ઉપપ્રમુખને ચાર્જ આપશે. છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ સસ્પેન્ડ થતાંની સાથે સમાજવાદી પાર્ટીને સત્તાનુ સુકાન મળતા સમાજવાદી પાર્ટીમાં ખુશી છવાઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં બોગસ જાતિના દાખલાનુ પ્રમાણ વધુ છે અને નગરપાલિકાના પ્રમુખનો બોગસ દાખલો સાબિત થતાં ભાજપની ઈમેજને ધકકો લાગ્યો છે.