બારીયા નાગરિક સહકારી બેંકને આર.બી.આઈ.એ રૂ.૧ લાખનો દંડ ફટકાર્યો

ભારતીય રિઝર્વ બેંક (આર.બી.આઈ.)એ નિયમનકારી નિર્દેશોના ઉલ્લંધન બદલ બારીયાની શ્રી બારીયા નાગરિક સહકારી બેંક લિ.સામે કાર્યવાહી કરી છે. બે વર્ષ સુધી આંતરિક ઓડિટ ન કરાવવાના કારણે બેંક પર રૂ.૧ લાખનો નાણાંકિય દંડ લાદવામાં આવ્યો છે.

ભારતીય રિઝર્વ બેંકે ૧૭ જુલાઈ-૨૦૨૬ ના આદેશથી શ્રી બારીયા નાગરિક સહકારી બેંક લિ.બારીયા(ગુજરાત)પર ‚.૧ લાખનો નાણાંકિય દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહી પ્રાથમિક(શહેરી)સહકારી બેંકો માટે નિરીક્ષણ અને આંતરિક ઓડિટ વ્યવસ્થા સંબંધિત આર.બી.આઈ.ના નિર્દેશોનુ પાલન ન કરવા બદલ કરવામાં આવી છે. આર.બી.આઈ.એ બેંકનુ કાયદેસર નિરીક્ષણ ૩૧ માર્ચ-૨૦૨૫ની નાણાકિય સ્થિતિના આધારે કર્યુ હતુ. તપાસ દરમિયાન જાણવા મળ્યુ કે, બેંકે ૧ એપ્રિલ-૨૦૨૩ થી ૩૧ માર્ચ-૨૦૨૫ દરમિયાન ફરજિયાત આંતરિક ઓડિટ કરાવ્યુ નહોતુ. ત્યારબાદ બેંકને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી. બેંકના લેખિત જવાબો અને વ્યક્તિગત સુનાવણીમાં રજુ થયેલા મુદ્દાઓની સમીક્ષા કર્યા બાદ આર.બી.આઈ.એ આરોપો સાબિત માનતા બેંકિંગ રેગ્યુલેશન અધિનિયમ-૧૯૪૯ હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને દંડ લાદ્યો હતો. આર.બી.આઈ.એ સ્પષ્ટતા કરી છે કે, આ કાર્યવાહી માત્ર નિયમનકારી પાલનમાં થયેલી ખામીઓને આધારે કરવામાં આવી છે. અને તેનો બેંક તથા ગ્રાહકો વચ્ચેના વ્યવહારોની માન્યતા સાથે કોઈ સંબંધ નથી.