
વન કર્મીઓ દ્વારા સતત પેટ્રોલીંગ.
છોટાઉદેપુર અને દાહોદ જીલ્લાની સરહદે ફરી એકવાર વાઘની હાજરીની પુષ્ટિ થતાં સમગ્ર વિસ્તારમાં વન વિભાગ સતર્ક બન્યો છે. છેલ્લા લગભગ ૧૭ મહિનાથી દાહોદ જીલ્લાના જંગલ વિસ્તારોમાંથી છોટાઉદેપુર જીલ્લાના ઝોઝ, કેવડી અને કુંડલ સહિતના જંગલોમાં એક નર વાઘની અવરજવર નોંધાઈ રહી છે.
વન વિભાગના જણાવ્યા અનુસાર, દાહોદથી છોટાઉદેપુર સુધીના અંદાજે ૧૨૦ કિલોમીટરના વિસ્તારમાં આ વાઘના આટાફેરા જોવા મળ્યા છે, જેના પગલે સરહદી જંગલ વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે.

રતનમહાલ અભ્યારણ્યમાં ટ્રેપ કેમેરામાં વાઘ કેદ વન વિભાગના રેકોર્ડ મુજબ, ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ છોટાઉદેપુર જીલ્લાના રતનમહાલ અભ્યારણ્ય વિસ્તારમાં વાઘ ટ્રેપ કેમેરામાં કેદ થયો હતો. ત્યારથી સમયાંતરે તેની હિલચાલના પુરાવા મળતા રહ્યા છે. છોટાઉદેપુર અને દાહોદના જંગલોમાં પૂરતો ખોરાક અને અનુકૂળ રહેઠાણ મળી રહેતું હોવાથી વાઘ આ વિસ્તારમાં સતત અવરજવર કરી રહ્યો છે.
વરસાદને કારણે જમીન સ્તરે મોનિટરિંગ મુશ્કેલ ચોમાસાની ઋતુ દરમિયાન જંગલોમાં ગીચ વનસ્પતિ અને સતત વરસાદને કારણે જમીન સ્તરે મોનિટરિંગ કરવું મુશ્કેલ બન્યું છે, તેમ છતાં વન વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ ટ્રેપ કેમેરા લગાવીને વાઘની હિલચાલ પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. ઉપરાંત, વનકર્મીઓ દ્વારા નિયમિત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
પશુ ચરાવવા જતાં સાવધાની રાખવા અપીલ વન વિભાગ દ્વારા સરહદી ગામોના લોકોને જંગલ વિસ્તારમાં બિનજરી અવરજવર ન કરવા, રાત્રિના સમયે એકલા જંગલમાં ન જવા તેમજ પશુઓને ચરાવવા જતા સમયે વિશેષ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. કોઈપણ સ્થળે વાઘ અથવા તેના પગરવ જોવા મળે તો તરત જ નજીકના વન વિભાગને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે.
વાઘની હાજરીથી ઉત્સાહ જંગલ વિસ્તારમાં વાઘની હાજરીથી સમગ્ર જીલ્લામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા વાઘને સુરક્ષિત વાતાવરણ પૂં પાડવા અને તેની અવરજવરમાં કોઈ અડચણ ન આવે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.