મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતેથી ચીફ જયુડિ.મેજી.કોર્ટે વર્ષ-૨૦૧૭ થી ચાલી રહેલા એક કેસમાં મહત્વપુર્ણ ચુકાદો આપ્યો છે. બનાવટી શૈક્ષણિક દસ્તાવેજોના આધારે ટ્રાન્સ્પોર્ટ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાના ગુનામાં કોર્ટે મુખ્ય આરોપીને દોષિત ઠેરવી કડક સજા ફટકારી હતી.
વિરપુર તાલુકાના જમીયતપુરા ગામના રહેવાસી સાયબાભાઈ મણીયાભાઈ વાઘરીએ ટ્રાન્સ્પોર્ટ કેટેગરીનુ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે આર.ટી.ઓ.કચેરીમાં અરજી કરી હતી. આ અરજી સાથે તેમણે મોડાસાની યોગી કૃપા હાઈસ્કુલના શાળા છોડ્યાનો દાખલો, માર્કશીટ, અને અભ્યાસ પ્રમાણપત્રો રજુ કર્યા હતા. જોકે આર.ટી.ઓ.કચેરી દ્વારા કરવામાં આવેલી વેરિફિકેશન પ્રક્રિયામાં સંબંધિત શાળાએ લેખિતમાં સ્પષ્ટ કર્યુ હતુ કે, સાયબાભાઈ નામના કોઈ વિદ્યાર્થીએ કયારેય તેમની શાળામાં અભ્યાસ કર્યો નથી. આમ લાયસન્સ મેળવવા રજુ કરાયેલા તમામ શૈક્ષણિક દસ્તાવેજો તદ્દન બનાવટી હોવાનુ બહાર આવ્યુ હતુ. આ કેસ મહિસાગર જિલ્લાના ચીફ જયુડિ.મેજી.એચ.એ.પંડ્યાની કોર્ટમાં ચાલી જતાં સુનાવણીમાં સરકારી વકીલ યોગેશ એસ.ગોસાઈએ દલીલો અને પુરાવા રજુ કર્યા હતા. કોર્ટે આ દલીલોને ગ્રાહ્ય રાખી મુખ્ય આરોપી સાયબાભાઈ મણીયાભાઈ વાઘરીને દોષિત જાહેર કરી ત્રણ વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો હતો. જયારે સહઆરોપી શફીભાઈ ઈબ્રાહિમભાઈ ઘાંચીને પુરતા પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ મુકત કરાયો છે.