
બાલાસિનોર નગર પાસેથી ત્રણ કિલોમીટરના અંતરે પસાર થતો અમદાવાદ ઇન્દોર હાઈવે જે અમદાવાદ તેમજ ગોધરા બંને તરફ અત્યંત બિસમાર હાલતે પહોંચતા મુસાફરોને ટોલ ચૂકવવા છતાં ભારે નુકશાની સાથે મુસાફરી કરવાનો વારો આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર નગરથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે પસાર થતો અમદાવાદ – ઇન્દોર હાઈવે એટલે બે રાજ્યોને જોડતો મુખ્ય માર્ગ છે. તેના પર બાલાસિનોર થી સેવાલીયા તરફ તેમજ બાલાસિનોર થી અમદાવાદ તરફ જતા માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા છે તેના લીધે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે અને નિર્દોષ મુસાફરો ભોગ બને છે. બાલાસિનોર નજીક વડદલા પાસે હાલ રસ્તાનું કામ ચાલતું હોવાથી એક તરફ નો રસ્તો ચાલુ છે તે પણ ઉબડખાબડ છે. મુસાફરોને દર ચોમાસે હાલાકી ભોગવવાનો વારો આવે છે. ત્યારે અમદાવાદ તરફથી ગોધરા તરફ જતા બે ટોલ ટેક્સ આવેલ છે, જેમાં વાહન ચાલકોને ટેક્સ ચૂકવવો પડતો હોય છે.
અમદાવાદ થી ગોધરા સુધી જવું હોય તો કાર ચાલકોને . ૪૨૫ જેટલો ટોલ ટેક્સ ભરવો પડતો હોય છે. ત્યારે આ માર્ગ ખૂબ જ બિસ્માર હાલતમાં ફેરવાયો છે. ત્યારે મુસાફરો દ્વારા વારંવાર મૌખિક ફરિયાદ કર્યા હોવા છતાં નઠોર તંત્રના કાને મુસાફરોનો અવાજ છેલ્લા કેટલાય ચોમાસાથી સંભળતો નથી. મુસાફરી કરતા મુસાફરોમાં આ માર્ગ પર પસાર થવું એટલે જીવ અને પોતાના વાહન બંનેની નુકશાની વેઠવી પડે છે. આ બાબતે તંત્રના નિંદ્રાધીન અધિકારીઓની આંખ ખોલે અને માર્ગની મરામત કરાવે તેવી મુસાફરોમાં પ્રબળ માંગ ઉઠી છે.