કદવાલ પંથકમાં સગીરાની રહસ્યમય હત્યા:ઘર પાસેના ખેતરમાંથી લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો; હત્યાનું કારણ અકબંધ, પોલીસે હત્યારાની તપાસ શરૂ કરી

છોટા ઉદેપુર જીલ્લાના કદવાલ તાલુકાના એક ગામમાં 13 વર્ષીય સગીરાની રહસ્યમય રીતે હત્યા કરાયેલી લાશ ઘરની બાજુના ખેતરમાંથી મળી આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાથમિક માહિતી અનુસાર, સગીરા દિવસ દરમિયાન ઘરે એકલી હતી ત્યારે કોઈ અજાણ્યા ઈસમે તેની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ હત્યારો સગીરાના મૃતદેહને ઢસડીને બાજુના ખેતરમાં લઈ ગયો હતો. બપોરના સમયે સગીરાની માતા ખેતરેથી ઘરે પરત ફરતા દીકરી જોવા ન મળતાં તેમણે શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ઘરની બાજુના ખેતરમાંથી દીકરીનો લોહીલુહાણ મૃતદેહ મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.આ ઘટનાની જાણ કદવાલ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કદવાલ પોલીસે અજાણ્યા ઈસમ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી હત્યારાને પકડવા અને હત્યાનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

સગીરાના પરિવારજનો સવારે 8 વાગ્યે ખેતરે ગયા હતા. સગીરાએ તેની માતાને ભૂંડના ત્રાસને કારણે પિતા સાથે ખેતરે જવા કહ્યું હતું. જેથી માતા પણ ખેતરે ગઈ હતી. તે સમયે ઘરમાં વૃદ્ધ દાદી અને સગીરા જ હાજર હતા, ત્યારે હત્યારાએ આ કૃત્યને અંજામ આપ્યો હતો. મૃતક સગીરાના પરિવારમાં કુલ પાંચ સ છે, જેમાં પિતા, માતા, દાદી, સગીરા પોતે અને એક પરણાવેલી મોટી બહેનનો સમાવેશ થાય છે. આ પરિવાર ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવે છે.

હત્યારા દ્વારા સગીરાની આબરૂ લૂંટવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હોઈ શકે છે. સગીરાની હત્યા ઘરે કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેના મૃતદેહને ઢસડીને બાજુના ખેતરમાં મૂકી દેવાયો હતો. મૃતકની માતાએ જણાવ્યું કે જ્યારે તેમણે દીકરીનો મૃતદેહ જોયો ત્યારે તેના શરીર પર એકપણ કપડું ન હતું.

મૃતદેહ જે ખેતરના છેડે મૂકવામાં આવ્યો હતો, ત્યાં એક ઝાડ પર સગીરાનો મોબાઈલ ફોન લટકતો મળી આવ્યો હતો. આના પરથી એવી પણ આશંકા સેવાઈ રહી છે કે સગીરાએ હત્યારાનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હશે.