પાવાગઢ પંચમહોત્સવના ત્રીજા દિવસે સાગરદાન ગઢવીએ લોકસંગીતથી મંત્રમુગ્ધ કર્યા

પંચમહાલના પાવાગઢ સ્થિત ઐતિહાસિક વડા તળાવ ખાતે યોજાઈ રહેલા પંચમહોત્સવના ત્રીજા દિવસે શ્રદ્ધા, સંસ્કૃતિ અને લોકસંગીતનો ભવ્ય સમન્વય જોવા મળ્યો હતો. આ સાંજે મહા આરતી અને લોકકલાકાર સાગરદાન ગઢવીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાંજે ભવ્ય મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. દીપમાળાઓની ઝગમગાહટ, વૈદિક મંત્રોચ્ચાર અને શંખનાદ સાથે યોજાયેલી આ આરતીએ સમગ્ર પરિસરને આધ્યાત્મિક ઊર્જાથી ભરી દીધું હતું.

મહા આરતી બાદ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ લોકકલાકાર સાગરદાન ગઢવીએ પોતાના અનોખા અંદાજમાં લોકસાહિત્ય અને લોકગીતોની મનમોહક પ્રસ્તુતિ આપી હતી. તેમની પરંપરાગત લોકધૂનો અને ભાવસભર રચનાઓએ ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.અનેક લોકગીતો દરમિયાન દર્શકો તાળીઓ પાડી અને ઝૂમીને કલાકારનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સંગીત, સંસ્કૃતિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો, જેનો યુવા વર્ગથી લઈને વૃદ્ધો સુધી સૌએ દિલથી આનંદ માણ્યો હતો.

સમગ્ર આયોજન શિસ્તબદ્ધ રીતે સંપન્ન થયું હતું અને વ્યવસ્થાપન દ્વારા સુરક્ષા તથા સુવિધાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. પંચમહોત્સવના આયોજનથી પાવાગઢના ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને નવી ઓળખ મળી રહી છે. ત્રીજા દિવસની આ ભવ્ય સાંજ ઉપસ્થિત તમામ કલારસિકો માટે અવિસ્મરણીય બની રહી હતી અને આવનારા કાર્યક્રમો માટે ઉત્સાહમાં વધારો કર્યો હતો.