છોટાઉદેપુર મહેસુલ તંત્રમાં ધરખમ ફેરબદલ કરવામાં આવી છે. જેમાં ચાર મામલતદારોને બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. જેમાં નસવાડી અને કવાંટમાં નવી નિમણુંકો કરવામાં આવી છે.
ગાંધીનગર સ્થિત મહેસુલ વિભાગ દ્વારા તા.૨૫/૧૧/૨૦૨૬ ના રોજ જારી કરાયેલા આદેશથી છોટાઉદેપુર જિલ્લાના વહીવટી અને મહેસુલી તંત્રમાં મોટો ફેરફાર થયો છે. જાહેર હિતમાં કરાયેલી બદલીઓ હેઠળ જિલ્લાના મહત્વના તાલુકાઓ અને કલેકટર કચેરીમાં ફરજ બજાવતા ચાર મામલતદારોને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે. જેના પગલે સ્થાનિક વહીવટી કામગીરીમાં નવા સમીકરણો રચાયા છે. નસવાડીના મામલતદાર વિરાજસિંહ દિલીપસિંહ સીસોદીયાને દેત્રોજ(જિ.અમદાવાદ)અને કવાંટના મામલતદાર વિજયકુમાર રમણલાલ પરમારને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ-ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર(જિ.વડોદરા)ખાતે બદલી કરાઈ છે. તેવી જ રીતે કદવાલના મામલતદાર મિતેશઅ સુરેશભાઈ કનેજીયાને ગાંધીનગર અને છોટાઉદેપુર કલેકટર કચેરીના મામલતદાર હેમા નાગીબબાઈ દેસાઈને તારાપુર(જિ.આણંદ)ખાતે નિમણુંક આપી છે. છોટાઉદેપુર જિલ્લાની ખાલી પડેલી અને જરી જગ્યાઓ ભરવા માટે નસવાડી ખાતે મામલતદાર તરીકે નરેન્દ્ર એન.ચોૈધરીને મુકવામાં આવ્યા છે. જયારે કવાંટ ખાતે નાયબ મામલતદાર (વર્ગ-૩)માંથી મામલતદાર(વર્ગ-૨)સંવર્ગમાં બઢતી આપીને કુલદિપકુમાર જે.વસાવાની નિમણુંક કરી છે. એકસાથે ચાર અધિકારીઓની બદલી અને બે નવી નિમણુંકોથી છોટાઉદેપુર મહેસુલી તંત્રમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે.