દાહોદ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા તેમજ સંભવિત અશાંતિને રોકવા માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, દાહોદ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૭(૩) અન્વયે સમગ્ર દાહોદ જીલ્લાના મહેસૂલી હદ વિસ્તારમાં પ્રતિબંધાત્મક હુકમો ફરમાવવામાં આવ્યા છે.
પોલીસ અધિક્ષક, દાહોદની દરખાસ્ત અને જીલ્લામાં અગાઉ વર્ગ વિગ્રહના બનેલા બનાવોને ધ્યાનમાં રાખીને આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
મુખ્ય પ્રતિબંધો:
સભા અને સરઘસ પર રોક: સમગ્ર દાહોદ જીલ્લાની હદમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર પાંચ કે તેથી વધુ વ્યક્તિઓ એકઠા થવા પર તેમજ કોઈપણ પ્રકારની સભા યોજવા કે સરઘસ કાઢવા પર સખત પ્રતિબંધ રહેશે.
અધિકૃત અધિકારીઓ: આ હુકમનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ તથા ગુજરાત પોલીસ એક્ટની જોગવાઈઓ મુજબ કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
આ પ્રતિબંધાત્મક હુકમ નીચે મુજબની બાબતોને લાગુ પડશે નહીં:
સરકારના વિભાગો અથવા કચેરીઓ દ્વારા આયોજીત કાર્યક્રમો અને રેલીઓ.
સરકારી ફરજ કે કામગીરી પર રહેલા અધિકારીઓ/કર્મચારીઓ તેમજ હોમગાર્ડ કે અન્ય અર્ધલશ્કરી એજન્સીના જવાનો.
સ્મશાનયાત્રા અને લગ્ન પ્રસંગના વરઘોડા.
આ જાહેરનામું તારીખ ૧૮/૧૧/૨૦૨૬ થી તારીખ ૩૦/૧૧/૨૦૨૬ (બંને દિવસો સહિત) સુધી સમગ્ર દાહોદ જીલ્લાના વિસ્તારમાં અમલમાં રહેશે.
તંત્ર દ્વારા નાગરિકોને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ આ જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.