
પાલનપુરમાં ઠાકોર સમાજની બોડગ ખાતે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને સમાજના આગેવાનો દ્વારા સમાજ સુધારણા માટેની મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં એક સમાજ, એક રિવાજ, શ્રેષ્ઠ રિવાજ અને શ્રેષ્ઠ સમાજ વિશે ખાસ ચર્ચા કરવામાં આવી હતી.
બનાસકાંઠાના ઠાકોર સમાજમાં વર્ષોથી પ્રસંગોમા પરંપરાગત વિવિધ પ્રથાઓને લઈને હવે ઠાકોર સમાજ ખોટા ખર્ચાઓ બંધ કરવા માટે જાગૃત થઈ રહ્યો છે.સમાજ શિક્ષણ તરફ આગળ વધે અને સમાજનો વિકાસ થાય તે દિશામાં હવે સમાજના આગેવાનો પણ એક મંચ પર આવીને સમાજને આગળ વધારવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. પાલનપુરમાં ઠાકોર સમાજની બોડગ ખાતે ઠાકોર સમાજના આગેવાન અને ધારાસભ્ય કેશાજી ઠાકોર સહિત બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં બેઠક યોજવામાં આવી હતી.
બનાસકાંઠામાં ઠાકોર સમાજમા પરંપરાગત પ્રથાઓને કારણે ખોટા ખર્ચ કરવાની ફરજ પડે છે. ઘણી વાર વ્યાજે પૈસા લઇને પણ પ્રસંગ કરવો પડે છે ત્યારે સમાજના લોકો દેવામાં ના ફસાય અને ખોટા ખર્ચા સમાજમાંથી દૂર થાય તે માટે સમાજના રીત રિવાજોમાં સુધારાને લઇને સમાજના લોકોને જાગૃત કરવાના પ્રયાસ થઇ રહ્યા છે.
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર થાય. કારણકે દેવમાં શ્રદ્ધા જરૂરી છે પરંતુ અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ.જુના જમાનામાં બાળકીઓને દૂધ પીતીની પ્રથા હતી તે કુરિવાજો બંધ થયા તેમ અંધશ્રદ્ધાના રિવાજો પણ બંધ કરવા જોઈએ. મોંઘવારીના કારણે કોઈપણ વ્યક્તિને પ્રસન્ન કરવો હોય તો મિલક્ત વેચવી પડે છે અને વ્યાજે પૈસા લેવા પડે છે. પૈસાદાર અને ગરીબ વચ્ચેનો ભેદભાવ પ્રસંગોમાં દૂર થાય તેવા પ્રયાસો કરવા માટે અમે સૌ પ્રયાસ કરી રહ્યા છીએ. એક સમાજ એક રિવાજ અને શ્રેષ્ઠ રિવાજ અને શ્રેષ્ઠ સમાજ બને તે ખૂબ જ જરૂરી છે.
ગેનીબેન ઠાકોરે કહ્યું કે ગુજરાત સરકારે વર્તમાનમાં અંધશ્રદ્ધાને લઈને બિલ પસાર કર્યું છે જેમાં ફોજદારી જોગવાઈ સહિત વિવિધ કલમો ઉમેરી બંધારણની જોગવાઈમાં સમાવેશ કર્યો છે. દેવી દેવતાઓના આશીર્વાદ જરૂરી છે પરંતુ બાળકોને દામ આપવા પરિવારમાં ઝઘડા ઊભા કરવા નિ-સંતાન અને મિલક્તો માટે વહેમ ઊભો કરવા જેવા બનાવોથી સમાજને બહાર લાવવો જરૂરી છે.
આગામી ૧ જાન્યુઆરી ૨૦૨૬ રોજ ઓગડથળી ખાતે ત્રણ જિલ્લાના ઠાકોર સમાજના આગેવાનો અને સમાજના લોકો એકત્ર થઈ એક સમાજ એક રિવાજ સાથે સમાજ શિક્ષણ તરફ આગળ કેવી રીતે વધે તે દિશામાં પ્રયાસ કરવામાં કરશે.