મહિસાગરમાં નલ સે જલ બાદ કરોડોનું શૌચાલય કૌભાંડ ! : બાલાસિનોરના પિલોદરા પછી કોતર બોર અને રળિયાતા પંચાયતમાં ભારે ગેરરીતિની આશંકા !

મહિસાગર જીલ્લામાં સરકારી યોજનાઓમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. અગાઉ ગાજેલા નલ સે જળ યોજનાના બહુચર્ચિત કૌભાંડ બાદ હવે સમગ્ર જીલ્લામાં કરોડો ‚પિયાનું શૌચાલય કૌભાંડ આચરાયું હોવાની ચોંકાવનારી વિગતો સૂત્રો દ્વારા પ્રકાશમાં આવી છે. પિલોદરા ગ્રામ પંચાયતમાં સામે આવેલા ભ્રષ્ટાચાર બાદ હવે કોતર બોર અને રળિયાતા ગ્રામ પંચાયતમાં પણ શૌચાલય નિર્માણના નામે ભારે ગેરરીતિ આચરાઈ હોવાની આશંકાઓ ઘેરી બની છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તાલુકાની કુલ ૪૪ ગ્રામ પંચાયતો પૈકી મોટા ભાગની પંચાયતોમાં શૌચાલય નિર્માણ યોજનામાં મોટા પાયે ગેરરીતિ આચરીને કરોડો ‚પિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. સરકારી ચોપડે કાગળ પર જ કામગીરી પૂર્ણ બતાવી દેવામાં આવી છે. સ્થળ પર તપાસ કરવામાં આવે તો વર્ષો જૂના શૌચાલયોને જ કાગળ પર નવા દર્શાવી દેવાયા છે.

સરકાર દ્વારા દરેક શૌચાલય દીઠ લાભાર્થીના ખાતામાં ૧૨,૦૦૦ની સહાય જમા કરાવવામાં આવે છે. પરંતુ વચેટિયાઓ મારફતે તાલુકા પંચાયતના યોજના શાખાના અધિકારીઓ અને એકાઉન્ટન્ટ સુધી ચોક્કસ ટકાવારી (કટકી) સેટ કરીને કમાયેલા આ સાકરી નાણાંથી પોતાના ખિસ્સા ભરવામાં આવ્યા હોવાની ભારે લોકમુખે ચર્ચાઓ જાગી છે.

ગ્રામીણ વિસ્તારના ગરીબ અને વંચિત પરિવારો માટેની કલ્યાણકારી યોજનામાં પણ અધિકારીઓ અને ભ્રષ્ટ વચેટિયાઓએ પોતાના સ્વાર્થ ખાતર સરકારી તિજોરીને કરોડોનો ચૂનો ચોંટાડ્યો છે. આ સમગ્ર કૌભાંડ અંગે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની તપાસ કરાવવામાં આવે તો તાલુકા પંચાયતથી લઈને ગ્રામ પંચાયત સુધીનું મોટું ભ્રષ્ટ નેટવર્ક ખુલ્લું પડે તેમ છે. હાલ તો આ કૌભાંડની ચર્ચાએ સમગ્ર બાલાસિનોર તાલુકામાં રાજકીય અને વહીવટી આલમમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.