ઈકબાલ યુનિયન હાઈસ્કૂલ, ગોધરાની ગૌરવપૂર્ણ સિદ્ધિ

વિકસિત ભારત ૨૦૪૭ અંતર્ગત રાજ્યના તમામ જીલ્લાઓમાં વિદ્યાર્થીઓ તથા નાગરિકોની સર્જનાત્મકતા, ટીમવર્ક, સ્થાનિક સંસ્કૃતિ અને સામૂહિક ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે સેવાના રંગ, રાષ્ટ્રના સંગ અંતર્ગત રંગોળી અને કોલાજ વર્ક સ્પર્ધાનું પંચમહાલ જીલ્લાનું આયોજન તા. ૦૬/૧૦/૨૦૨૬ના રોજ સેન્ટ આર્નોલ્ડ્સ હાઈસ્કૂલ, ગોધરા ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કલેક્ટર, જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા શિક્ષણાધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સ્પર્ધા માટેની વિશિષ્ટ કૃતિ તૈયાર કરવા માટે અનાજ-કઠોળ જેવી કુદરતી સામગ્રી ઉપરાંત રેતી (ઈંટનો ભૂકો), ચૂનો, પીંછા, દોરા, કાપડના ટુકડા વગેરે વિવિધ સામગ્રીના સુંદર સંયોજનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ધી ઈકબાલ યુનિયન હાઈસ્કૂલ, ગોધરાના ધોરણ-૧૨ના વિદ્યાર્થી કલંદર અમ્માર સિદ્દીકી દ્વારા વિકસિત ભારત ૨૦૪૭ વિષય પર આ સુંદર કૃતિ રજૂ કરવામાં આવી હતી.

વિદ્યાર્થી કલંદર અમ્માર સિદ્દીકીની સર્જનાત્મક કૃતિને સમગ્ર પંચમહાલ જીલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થતાં શાળા પરિવાર તેમજ સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી ગઈ છે.

સ્પર્ધાના નિયમો અનુસાર તા. ૦૭/૧૦/૨૦૨૬ના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ગોધરા ખાતે યોજાયેલ સેવા સંકલ્પ યાત્રાના કાર્યક્રમ દરમિયાન જીલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ વિજેતા વિદ્યાર્થી કલંદર અમ્માર સિદ્દીકીનું માનનીય મંત્રી, ગુજરાત સરકાર, રમેશભાઈ કટારા ના વરદ હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

આ સિદ્ધિ શાળા પરિવાર તેમજ સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત છે. વિદ્યાર્થીની આ સર્જનાત્મક પ્રતિભા અને મહેનત અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણા‚પ બની છે.

શાળાના આચાર્ય સાદીક શેખ દ્વારા વિજેતા વિદ્યાર્થી કલંદર અમ્માર સિદ્દીકી તેમજ તેમના માર્ગદર્શક ચિત્ર શિક્ષકો બુખારી અને પરમાર ને શાળા પરિવાર વતી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ધી ઈકબાલ યુનિયન હાઈસ્કૂલ, ગોધરા માટે આ સિદ્ધિ ગૌરવ અને આનંદની ક્ષણ છે.