લુણાવાડાની ચારણગામ સેવા સહકારી મંડળીમાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા

લુણાવાડા તાલુકાની ’ધી ચારણગામ (નમનાર) અર્થ સેવા સહકારી મંડળી લિ.’માં ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન પદે સંજયભાઈ બારીયા અને વાઇસ ચેરમેન પદે મહેન્દ્રભાઈ ગીરધરભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. વરણી બાદ ઉપસ્થિત સભાસદો અને આગેવાનોએ બંને હોદ્દેદારોને પુષ્પહાર પહેરાવી ઉત્સાહભેર અભિનંદન પાઠવ્યા હતા.

લુણાવાડા તાલુકાના ચારણગામ (નમનાર) ખાતે ’ધી ચારણગામ (નમનાર) અર્થ સેવા સહકારી મંડળીના સંચાલન અને આગામી કાર્યકાળ માટે ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ચેરમેન પદ માટે સંજયભાઈ બારીયા અને વાઇસ ચેરમેન પદે મહેન્દ્રભાઈ ગીરધરભાઈ પટેલ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. મંડળીના તમામ સભાસદો અને ડિરેક્ટરોની સર્વાનુમતી તેમજ એકસૂત્રતાને કારણે અન્ય કોઈ ઉમેદવારી ફોર્મ ન ભરાતાં, ચૂંટણી અધિકારી દ્વારા ચેરમેન પદે સંજયભાઈ બારીયા અને વાઇસ ચેરમેન પદે મહેન્દ્રભાઈ ગીરધરભાઈ પટેલની બિનહરીફ વરણી જાહેર કરવામાં આવી હતી.ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મંડળી ખાતે ઉપસ્થિત સહકારી ક્ષેત્રના આગેવાનો, મંડળીના ડિરેક્ટરો, સભાસદો તેમજ ગ્રામજનોએ નવનિયુક્ત ચેરમેન સંજયભાઈ બારીયા અને વાઇસ ચેરમેન મહેન્દ્રભાઈ પટેલને પુષ્પહાર પહેરાવી અને મોં મીઠું કરાવીને બિનહરીફ વરણી બદલ શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે નવનિયુક્ત ચેરમેન સંજયભાઈ બારીયાએ સૌનો આભાર માનતા જણાવ્યું હતું કે, “મંડળીના સભાસદો અને સહકારી આગેવાનોએ મારા પર જે વિશ્ર્વાસ મૂક્યો છે તે બદલ હું સૌનો ઋણી છું. આગામી સમયમાં મંડળીનો ઉત્તરોત્તર વિકાસ થાય અને ખેડૂતો તથા સભાસદોના હિતકારી કાર્યો થાય તે માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું.” આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ આગેવાનો અને ગ્રામજનોએ નવનિયુક્ત નેતૃત્વ હેઠળ મંડળી પ્રગતિના નવા શિખરો સર કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.