કડાણા અને સંતરામપુર તાલુકાની ગ્રામ સંસ્થાઓ, ગ્રામ પંચાયતો, મલ્ટી એક્ટર પ્લેટફોર્મ (MAP તથા સંતરામપુરકડાણા ફેડરેશનના સંયુક્ત આયોજન હેઠળ તા. 19 ડિસેમ્બર 2025ના રોજ સંતરામપુર તાલુકાના ટીભરવા ગામે ગ્રામ સંવાદ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કડાણા અને સંતરામપુર તાલુકાના 3100 લોકો જોડાયા જેમાં 40% મહિલાઓ જોડાઈ. કુલ 80 ગ્રામ મંડળો તેમજ FES (ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકલ સિક્યુરિટી)ના સહયોગથી વિશાળ પ્રમાણમાં લોકભાગીદારી જોવા મળી હતી.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડો. કુબેરભાઈ ડીંડોર, પૂર્વ કેબિનેટ મંત્રી (આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ગુજરાત સરકાર) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગ્રામ વિકાસમાં મહિલાઓની સક્રિય ભાગીદારી, ગામ અને જંગલ માંથી મળતા સંસાધનો દ્વારા રોજગારીના અવસર કેવી રીતે ઊભા કરી શકાય તે વિષય પર વિશેષ ભાર મૂક્યો હતો. ઉપરાંત યુવાનોએ સમાજના કલ્યાણકારી કામોમાં આગળ વધવું પડશે. સાથે જ 2013થી અત્યાર સુધી તૈયાર થયેલા આયોજન અને તેમાંથી થયેલા કેટલાંક કામોને વાગોળ્યા. અને પ્રગતિ હેઠળ રહેલા કામોને આવતા આયોજનમાં સમાવેશ કરવા અને તેના અમલીકરણ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સંતરામપુર અને કડાણા તાલુકાના આગેવાનો, ગ્રામ મંડળો અને પંચાયતો દ્વારા વિસ્તારના વિવિધ પ્રશ્ર્નો તથા આજીવિકા આયોજન રજૂ કરવામાં આવ્યા હતા. સાથે જ જુદા જુદા ગામોની સામુહિક વન અધિકાર CFR અને CFRR મેળવવા માટેની ફાઇલો સરકારને સોપવામાં આવી હતી. પ્રાયોજના અધિકારી દ્વારા CFR અને આદિજાતી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે સંતરામપુર તાલુકા વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ડો. રણજીત જોજોએ સ્ત્રીરોગ, આરોગ્ય સંબંધિત યોજનાઓ અને પોષણ અંગે ઉપયોગી માહિતી આપી હતી. કચ્છ જીલ્લાના કુનરિયા ગામની બાલિકા પંચાયતના બાલિકા સરપંચ ભારતીબેન દ્વારા મહિલાઓના શિક્ષણ, આરોગ્ય, મહિલાઓના પ્રશ્ર્નો તેમજ પંચાયતી રાજ વ્યવસ્થામાં મહિલાઓની ભાગીદારી અંગે પોતાના અનુભવો રજૂ કરવામાં આવ્યા હતા. વિવિધ ગામોના આગેવાનો દ્વારા સંગઠનનું મહત્વ, ખેતી અને વનપેદાશથી થતા લાભો, સામુહિક વન અધિકાર, સજીવ ખેતી તથા મહિલાઓની સક્રિય ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ગ્રામ સંવાદ દરમિયાન કુલ 21 વિષયવસ્તુ આધારિત સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. જેમાં ગ્રામ પંચાયત વિકાસ આયોજન (GPDP)માં લોક ભાગીદારી, સરકારની વિવિધ યોજનાઓ (ખાસ આદિજાતીની યોજનાઓ), સામુહિક વન અધિકાર અધિનિયમ2006માં મહિલાઓની ભાગીદારી, વિલેજ ઇકોલોજીકલ રજીસ્ટર, સુધારેલ બિયારણ, જીવામૃત, બીજામૃત, વર્મી કોમ્પોસ્ટ, અજોલા, મલ્ચિંગ, વૈજ્ઞાનિક તથા સજીવ ખેતી પદ્ધતિઓ, બાળકોકિશોરીસગર્ભા અને ધાત્રી માતાઓના આરોગ્ય અને પોષણ, પરંપરાગત ઔષધિઓ, પરંપરાગત આહાર, તેમજ પાણીનું સામુહિક સંચાલન દ્વારા ટકાઉ આજીવિકા જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.