વેલકમ ૩માં અક્ષય કુમારને સાથ આપશે સંજય દત્ત-અરશદ વારસી

બોલિવૂડની યાદગાર કોમેડી ફિલ્મોમાં હેરાફેરી અને વેલકમનું નામ મોખરે છે. વેલકમની પહેલી ફિલ્મ ૨૦૦૭માં અને વેલકમ બેક ૨૦૧૫માં રિલીઝ થઈ હતી. પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલા હવે વેલકમ ૩ બનાવવા માગે છે. વેલકમની બંને ફિલ્મમાં ઉદય શેટ્ટી અને મજનુ ભાઈના કેરેક્ટર્સે ઓડિયન્સને ભરપૂર હસાવ્યા હતા. આ બંને કેરેક્ટર્સને નાના પાટેકર અને અનિલ કપૂરે ભજવ્યા હતા.તેમની સાથે રાજીવના રોલમાં અક્ષય કુમાર હતા. વેલકમની આગામી સીક્વલમાં અક્ષય કુમાર યથાવત છે, પરંતુ નાના પાટેકર અને અનિલ કપૂરને રીપ્લેસ કરવામાં આવ્યા છે.

ફિરોઝ નડિયાદવાલાએ બ્લોકબસ્ટર ફિલ્મોની સીક્વલ બનાવવા મહેનત શરૂ કરી છે. તેઓ જોલી એલએલબી ૩, હાઉસફુલ ૫ અને વેલકમ ૩ બનાવવા માગે છે. જેમાંથી વેલકમ ૩ની શરૂઆત વહેલી થઈ શકે છે. કારણ કે તેની સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ ગઈ છે. ફિલ્મનું કાસ્ટિંગ પણ ફાઈનલ છે. આગામી સીક્વલમાં નાના પાટેકર તથા અનિલ કપૂરને રીપ્લેસ કરી સંજય દત્ત-અરશદ વારસીને ફાઈનલ કરવામાં આવ્યા છે. મુન્નાભાઈ અને સકટ તરીકે તેમની જોડી અગાઉથી ખૂબ લોકપ્રિય રહેલી છે. સોર્સીસના જણાવ્યા મુજબ, શરૂઆતમાં પ્રોડ્યુસરે અનિલ કપૂર અને નાના પાટેકરનો સંપર્ક કર્યો હતો. જો કે ફીના મામલે સંમતિ નહીં સધાતા તેમનું રીપ્લેસમેન્ટ શોધવામાં આવ્યુ હતું. વેલકમ ૩માં સુનિલ શેટ્ટીનું આગમન થવાની શક્યતા પણ છે. ઉલ્લેખનીય છે કે, ફિરોઝ નડિયાદવાલાએ થોડા સમય પહેલા હેરાફેરી ૩નો પ્રોમો શૂટ કર્યો હતો. તેમાં અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલ લીડ રોલમાં છે. કાનૂની ગૂંચ ઊભી થતાં હેરાફેરી ૩ અટવાયેલી છે.