સંખેડા તાલુકાના ભાટપુર અને ટીંબા ગામે સબ સેન્ટરની કામગીરી બે વર્ષે પણ અધૂરી છે. કામ પૂરૂ કરવાની મર્યાદા પૂરી થઇ ગઇ હોવા છતાં કામગીરી અધૂરી છે. આખરે એજન્સીને છૂટી કરી દેવાઇ છે. એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની કાર્યવાહી કરી દેવામાં આવી છે.
ભાટપુરમાં તા.૯ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ નવીન સબ સેન્ટર બનાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. માત્ર ૭ મહિનામાં જ આ સબ સેન્ટરની કામગીરી પૂરી કરવાની હતી. પણ કામગીરી પૂરી કરી શકાઇ નહોતી.
હાલમાં પણ સબ સેન્ટરની કામગીરી અધૂરી છે. આવી જ કહાની ટીંબા ગામે બની રહેલા સબ સેન્ટરની છે. અહીંયા પણ સબ સેન્ટરની કામગીરી અધૂરી છે. ભાટપુર અને ટીંબા ગામે સબ સેન્ટર કંપાઉન્ડવોલ સાથે બનાવવાનું હતું. પરંતુ આ કામગીરી હાલમાં અધૂરી છે.
સબ સેન્ટરની કામગીરી સંભાળતી કચેરી દ્વારા કામ કરનાર ઇજારદાર એજન્સીને ભૂતકાળમાં નોટિસ પણ અપાઇ હતી. તેમ છતાં હજી કામગીરી પૂરી થઇ નથી.
ઇજારદાર કામગીરી કરતા નહીં હોવાથી છૂટા કરી દીધા આ બાબતે પી.આઈ.યુ.નો સંપર્ક કરતાં અત્રેના સૂત્રોએ જણાવ્યું હતું કે,”વારંવાર સૂચના આપવા છતાં ઈજારદાર દ્વારા કામગીરી કરાતી નહોતી. આથી તેમને છૂટા કરી દેવાયા છે. તેમજ બાકી રહેતી કામગીરી પૂરી કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. તેમજ એજન્સીને બ્લેક લિસ્ટ કરવા માટેની આગળની કાર્યવાહી પણ કરી દેવામાં આવી છે.