
છોટા ઉદેપુર જીલ્લાના અછાલા ગામે ગત રાત્રિના સમયે શિકારનો પીછો કરતી વખતે એક દીપડો અચાનક ઊંડા કૂવામાં ખાબક્યો હતો. વહેલી સવારે અવાજ સંભળાતાં ગ્રામજનોને ઘટનાની જાણ થઈ હતી, જેને પગલે વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી ૫ કલાકની ભારે મથામણ બાદ દીપડાને કૂવામાંથી સુરક્ષિત બહાર કાઢ્યો હતો. હાલ આ દીપડાને રેસ્ક્યુ સેન્ટર ખસેડીને તબીબી તપાસ બાદ જંગલમાં મુક્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
શિકારનો પીછો કરતી વખતે દીપડો કૂવામાં પડ્યો: વહેલી સવારે ગ્રામજનોને થઈ જાણ :
છોટા ઉદેપુર જીલ્લાના જંગલ વિસ્તાર નજીક આવેલા ગામોમાં અવારનવાર દીપડા જેવા હિંસક વન્યજીવો માનવ વસ્તી તરફ ચડી આવતા હોય છે. દરમિયાન ગત રાત્રિએ શિકારની શોધમાં અછાલા ગામે આવી પહોંચેલો એક દીપડો શિકારનો પીછો કરતી વખતે સુંદરભાઈ ગોસલાભાઈ રાઠવાના કૂવામાં ખાબક્યો હતો. ચોમાસાની ઋતુમાં કૂવો પાણીથી ભરેલો હોય વહેલી સવારે કૂવા અંદરથી દીપડાના અવાજો આવવાના શ થતાં જ ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કૂવામાં દીપડો હોવાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
વન વિભાગની ટીમ દ્વારા ૫ કલાક સુધી જટિલ રેસ્ક્યુ કામગીરી :
કૂવામાં દીપડો ફસાયો હોવાની જાણ ગ્રામજનોએ તુરંત જ વન વિભાગની ટીમને કરી હતી. માહિતી મળતાં જ વન વિભાગનો કાફલો જરી બચાવ સામગ્રી સાથે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કૂવો પાણીથી છલોછલ ભરેલો હોવાથી દીપડાને બહાર કાઢવાનું કામ અત્યંત જોખમી અને પડકારજનક બની ગયું હતું. જોકે, વન વિભાગના જવાનોએ હિંમત અને કાળજીપૂર્વક કૂવામાં પીંજં ઉતારીને અંદાજે ૫ કલાકની આકરી જહેમત બાદ દીપડાને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.
મોત સામે દેખાતાં દીપડાએ શિકાર કરવાનો મોહ છોડી દીધો?
આ આખા રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન સૌથી ચોંકાવનારી અને રોચક વાત તો એ સામે આવી કે, કૂવા અંદર પાણી વચ્ચે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતો દીપડો જે ખૂણા પર આશરો લઈને બેઠો હતો, તેની પાછળ જ એક નાની બખોલમાં એક બિલાડી પણ દબાઈને બેઠી હતી! સામાન્ય રીતે બિલાડીને જોતાં જ ઝડપાઈ લેતો આ હિંસક શિકારી પોતાના કુદરતી સ્વભાવથી સાવ વિપરીત મોહરામાં જોવા મળ્યો હતો. કદાચ કૂવાના ઊંડા પાણીમાં ખુદ પોતાનો જીવ બચાવવાની લડાઈ લડી રહેલો દીપડો એટલો ગભરાયેલો હતો કે તેનું ધ્યાન જ બિલાડી તરફ ન ગયું, અથવા તો મોત સામે દેખાતાં તેણે શિકાર કરવાનો મોહ છોડી દીધો હતો. કૂવામાં કાળમુખા દીપડાની એકદમ નજીક હોવા છતાં બિલાડીનો આબાદ બચાવ થવાની આ ઘટના હાલ આખા વિસ્તારમાં ભારે કૌતુક અને ચર્ચાનો વિષય બની છે.
રેસ્ક્યુ સેન્ટરમાં મેડિકલ ચેકઅપ બાદ દીપડાને જંગલમાં મુક્ત કરાશે :
કૂવામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા બાદ વન વિભાગની ટીમે દીપડાને તુરંત રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. વન તંત્રના જણાવ્યા અનુસાર, રેસ્ક્યુ સેન્ટર ખાતે દીપડાનું પ્રાથમિક મેડિકલ ચેકઅપ કરવામાં આવશે જેથી કૂવામાં પડવાથી તેને કોઈ આંતરિક કે બાહ્ય ઈજા થઈ છે કે નહીં તે સ્પષ્ટ થઈ શકે. તબીબી તપાસમાં દીપડો સંપૂર્ણ સ્વસ્થ જણાતાં જ તેને તેના કુદરતી આવાસ એવા જંગલ વિસ્તારમાં મુક્ત કરી દેવામાં આવશે.