
લુણાવાડામાં શુક્રવારે મોડી સાંજે વરસેલા ૬૦ મી.મી. વરસાદથી હાલોલ-શામળાજી માર્ગ નદીમાં ફેરવાયો હતો. ૪૦ મિનિટમાં પાલીકા અને હાઇવે ઓથોરીટીની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઇ હતી. વરસાદી પાણી દુકાનોમાં ઘૂસતાં વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો.
લુણાવાડા નગરમાં પાલિકા તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ માત્ર ૪૦ મિનિટના વરસાદમાં ખુલ્લી પડી ગઈ છે. શુક્રવારે રાત્રે માત્ર ૪૦ મિનિટમાં ખાબકેલા ૬૦ મિમી વરસાદે પાલિકા તંત્રના તમામ દાવાઓની હવામાં ઉડાવી દીધા હતા.
અડધા કલાકના વરસાદમાં જ નગરમાંથી પસાર થતા અત્યંત વ્યસ્ત અને મહત્વપૂર્ણ એવા હાલોલ-શામળાજી માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે આખો હાઇવે નદીમાં ફેરવાઈ ગયો હતો. રસ્તા પર ભરાયેલા વરસાદી પાણી આસપાસની દુકાનોમાં ઘૂસી જતાં વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જ્યારે અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈને બંધ પડી જતાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકીમાં મુકાયા હતા.
દર વર્ષે ચોમાસા પહેલા પાલિકા અને હાઇવે ઓથોરિટી દ્વારા ગટરોની સફાઈ અને મરામતના નામે લાખો પિયાનો ધૂમાડો કરવામાં આવે છે. મહિનાઓ સુધી ધૂળ અને ટ્રાફિક સહન કર્યા બાદ પણ સામાન્ય વરસાદમાં જ જળબંબાકાર થતાં લુણાવાડાના નગરજનોમાં વહીવટી તંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
એક તરફ હાઈવે ઓથોરિટી બીજી તરફ નગર પાલિકાની ગટર લુણાવાડામાંથી પસાર થતા હાલોલ-શામળાજી માર્ગ પર હાઇવે ઓથોરિટી અને નગરપાલિકાની અણઘડ વહીવટી નીતિ તથા સંકલનના અભાવે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. હાઇવેની એક બાજુ પાલીકાની તૈયાર કરેલ ગટરો જ્યારે હાઇવેની બીજી તરફ હાઈવે ઓથોરિટીએ તૈયાર કરેલ ગટરોની પ્રિ-મોન્સૂન કામ ન થવાના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાતા નાગરિકોને ભારે હાડમારી વેઠવાનો વારો આવ્યો છે. જ્યારે પણ આવી ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે ત્યારે બંને સરકારી વિભાગો એકબીજા પર દોષનો ટોપલો ઢોળીને પોતાની નૈતિક અને કાયદાકીય જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયાસ કરે છે.