ગોધરા નગર પાલિકાની સત્તા બદલાતા નગરજનોની સમસ્યાના ઉકેલ આવશે તેવી આશા ઠગારી : રસ્તા, સ્ટ્રીટ લાઈટ, ઉભરાતી ગટરોને દુરસ્ત કરવામાં સત્તાધિશો નિષ્ફળ

ગોધરા શહેરના નગર પાલિકા વિસ્તારોમાં ચોમાસાની સીજન શ‚ થતાની સાથે મુખ્ય માર્ગો અને આંતરિક માર્ગો ખખડધજ અને બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. અમુક રસ્તાઓની હાલત એવી છે. આ રસ્તા ઉપરથી રાહદારી તો શું વાહન પણ પસાર થઈ શકે તેમ નથી. પાલિકાની સત્તા બદલાતા શહેરના રસ્તાઓની સ્થિતી બદલાશે તે આશા ઠગારી નિવડી છે. રોડ રસ્તાઓની બિસ્માર સ્થિતીને લઈ નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગોધરા નગર પાલિકાની સત્તા બદલાતા નગરજનોને શહેરના મુખ્ય રસ્તાઓ તેમજ આંતરિક રસ્તાઓની સ્થિતી સુધરશે તેવી આશા રાખી રહ્યા હતા, પરંતુ આશા ઠગારી નિવડી છે. શહેરના લાલબાગ બસ સ્ટેન્ડ થી બગીચા રોડ, બાવાની મઢી થી હોળી ચકલા, બગીચા થી શહેરા ભાગોળ, શહેરા ભાગોળ થી સ્વામીનારાયણ મંદિર સહિતના માર્ગોની હાલત ચોમાસાની સીજનના વરસાદ સાથે ખખડધજ બન્યા છે. આવા રસ્તાઓ ઉપર વાહન તો શું રાહદારી પણ પસાર થઈ શકે તેવી સ્થિતી નથી. શહેરની સ્ટ્રીટ લાઈટોની સ્થિતી પણ એવી છે. નગર પાલિકા કચેરીના માર્ગ પર પણ સ્ટ્રીટ લાઈટ કાર્યરત નથી. ત્યારે અન્ય વિસ્તારોની સ્થિતી તો વર્ણવી શકાય તેમ નથી. શહેરના ગટર લાઈનની સ્થિતી પણ એવી છે. ગટરોની સાફ-સફાઈના અભાવે ગટરો ઉભરાઈને ગટરના ગંદા પાણી રોડ પર ઠલવાતા રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. આ તમામ વિસ્તારો નગર પાલિકામાં પહેલાથી સમાવિષ્ટ છે. તેવા વિસ્તારોમાં પ્રાથમિક રોડ, રસ્તા,સ્ટ્રીટ લાઈટ, ગટર લાઈનની સમસ્યાનો ઉકેલ લાવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું છે. ત્યારે ગોધા નગર પાલિકામાં અનેક ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ કરાયો છે. આવા નવા નગર પાલિકા વિસ્તારોની રોડ, સ્ટ્રીટ લાઈટ જેવી સમસ્યાનો ઉકેલ લાવે તેવી આશા નગર પાલિકા પાસેથી રાખવી અતિશયોગતિ ગણાય તેમ છે. ગોધરાના નગરજનોને પાલિકાની ચુંટણીમાં નવા સત્તાધિશોના હાથમાં સંચાલન આવતા પ્રાથમિક સુવિધાઓનો ઉકેલ ઝડપી બનશે તેવી આશા રાખી રહ્યા હતા, પરંતુ નગર પાલિકાની સત્તા મળ્યા બાદ લોકોની સમસ્યા તેમના માટે સામાન્ય ગણી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. જેથી ચોમાસાની સીજનમાં ખખડધજ બિસ્માર રસ્તાઓ ઉપરથી પસાર થવું પડશે તેમ લાગીર હ્યું છે.