શહેરાના અણીયાદ ચોકડી વિસ્તારમાં શાન્તાકુંજ સોસાયટી તેમજ અન્ય સોસાયટીમાં સાપના અવારનવાર દેખાડાથી રહીશોમાં ફફડાટ : ગ્રીન પાર્કમાંથી ૬ ફૂટ લાંબો સાપ રેસ્ક્યુ કરાયો

શહેરા નગરમાં અણીયાદ ચોકડી પાસે આવેલી ગ્રીનપાર્ક અને શાન્તાકુંજ સોસાયટી વિસ્તારમાં અવારનવાર સાપ જોવા મળતા સ્થાનિક રહીશોમાં સતત ડર અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ગ્રીન પાર્ક સોસાયટીમાં ઘરની પાછળથી અંદાજે ૬ ફૂટ જેટલો લાંબો ધામણ સાપ મળી આવતા વન વિભાગની ટીમે ત્વરિત કામગીરી કરી તેનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું.

શહેરા નગરમાં અણીયાદ ચોકડી નજીક આવેલ ગ્રીનપાર્ક સોસાયટી અને શાન્તાકુંજ સોસાયટીના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અવારનવાર સાપ નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે સોસાયટીના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગ્રીનપાર્ક સોસાયટીમાં એક મકાનની પાછળ સાપ જોવા મળતાં સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને વાતાવરણ ભયભીત બની ગયું હતું. આ અંગે સ્થાનિકો દ્વારા તુરંત વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના રાઉન્ડ ફોરેસ્ટર સી.બી. બારિયા, શક્તિભાઈ માલીવાડ અને ભાવેશ રાવલ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું સ્થળ આંકણી હાથ ધર્યું હતું. વન વિભાગના કર્મચારીઓએ ભારે જહમત બાદ ઘરની પાછળ છુપાયેલા અંદાજે ૬ ફૂટ જેટલા લાંબા ધામણ સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. સાપને સહી-સલામત રીતે પકડીને તેના કુદરતી વાતાવરણ જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવતાં સોસાયટીના રહીશોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. ગ્રીન પાર્ક અને શાન્તાકુંજ સોસાયટીની આસપાસ ઝાડી-ઝાંખરા અને ખુલ્લા પ્લોટ આવેલા હોવાથી અવારનવાર ઝેરી તથા બિનઝેરી સાપ રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવે છે. સબંધિત તંત્ર દ્વારા આસપાસના વિસ્તારની સફાઈ કરવામાં આવે તેમજ ચોમાસાની ઋતુ દરમિયાન જ‚રી સાવચેતીના પગલાં લેવામાં આવે અને આ વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવે એવી રહીશોએ માંગ કરી હતી.