શહેરા શારદા મંદિર હાઇસ્કુલમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી, વિદ્યાર્થીઓએ લીધા ગુરુજીના આશીર્વાદ

શહેરામાં આવેલી  શારદા મંદિર હાઇસ્કુલમાં ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે એક ગરિમામય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોપરી છે, તે વાતને સાર્થક કરતાં આ મહોત્સવમાં શાળાના વિદ્યાર્થીઓએ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક શિક્ષકોના આશીર્વાદ મેળવી જીવનમાં પ્રગતિના પંથે આગળ વધવાનો સંકલ્પ લીધો હતો.

અષાઢી પૂનમ એટલે કે ગુરુપૂર્ણિમા, જે ભારતીય પરંપરામાં ગુરુ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે. શહેરાની  શારદા મંદિર હાઇસ્કુલમાં પણ આ  દિવસ નિમિત્તે શાળામાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.   વિદ્યાર્થીઓએ  પૂજન-અર્ચન કરીને પોતાના આદરણીય ગુરુજનો પ્રત્યે ભક્તિભાવ પ્રદર્શિત કર્યો હતો. વિદ્યાર્થીઓએ કંકુ તિલક કરી અને મીઠાઈ વડે શિક્ષકોનું મોં મીઠું કરાવ્યું હતું અને નતમસ્તકે આશીર્વાદ મેળવ્યા હતા.શિક્ષકોએ વિદ્યાર્થીઓને જીવનમાં હંમેશા સારા માર્ગે ચાલવા, જ્ઞાન મેળવવા અને સંસ્કારયુક્ત બારનારી બનવા પ્રેરિત કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું કે ગુરુ માત્ર જ્ઞાન જ નહીં, પણ જીવન જીવવાની સાચી દિશા અને સંસ્કાર પણ પૂરા પાડે છે.

વિદ્યાર્થીઓએ પણ ગુરુજનો પ્રત્યે પોતાના હૃદયની લાગણીઓ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ગુરુ વિના જ્ઞાન અધૂરું છે અને ગુરુની કૃપાથી જ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે.

આ સમગ્ર કાર્યક્રમ ભક્તિપૂર્ણ અને પ્રેરણાદાયક વાતાવરણમાં પૂર્ણ થયો. આ ઉજવણીથી વિદ્યાર્થીઓમાં ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અને આદર વધુ દ્રઢ બન્યો હતો