
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સરકાર હસ્તક કરવામાં આવી છે. જેમાં સેવન્થ ડે હાયર સેકન્ડરી સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક કરાયો છે. ત્યારે તપાસ દરમિયાન ખામીઓ જણાતા નિર્ણય લેવામાં આવ્યો છે. તથા સેવન્થ ડે સ્કૂલના વહીવટદાર તરીકે ડીઇઓની નિયુક્તિ કરાઇ છે. સ્કૂલ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીના તાબા હેઠળ છે. ત્રણ બિલ્ડિંગ છતાં માત્ર એકનું બીયુ પરમિશન લીધું હતું.
ગુજરાત બોર્ડને એફિડેવિટમાં આઇસીએસઇ શાળા છુપાવી હતી. અમદાવાદ મ્યુનિસિપલની જમીન પર અલગ સંસ્થાનું સંચાલન હતુ. સેવન્થ ડે શાળામાં ૧૨ ગંભીર અનિયમિતતા તપાસ રિપોર્ટમાં સામે આવી છે. ત્યારે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને સરકાર હસ્તક કરવાના મામલે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં એક અઘટિત ઘટના બની હતી. ત્યારબાદ સરકાર કક્ષાએ એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. તપાસ સમિતિના અહેવાલમાં ઘણી જ ગેરરીતિઓ અને અનિયમતીતાઓ યાને આવી છે. સમિતિના અહેવાલના આધારે સરકારે નિર્ણયો કર્યો છે કે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક કરવામાં આવશે.
શાળાના રજૂ કરાયેલ આધારોમાં અલગ અલગ ટ્રસ્ટ/સોસાયટીનો ઉલ્લેખ થયેલ જોવા મળે છે.સીઆઇએસસીઇ નિયમોના પ્રકરણ ૧, નિયમ ૨ મુજબ શાળાનું સંચાલન એક જ રજિસ્ટર્ડ સોસાયટી, ટ્રસ્ટ અથવા કંપની દ્વારા થવું જોઈએ જે નફાના હેતુથી ચાલતી ન હોય આ બાબતે સ્પષ્ટતા રજૂ કરવામાં આવેલ નથી. શાળાના વહીવટ, ટ્રસ્ટ કે શાળાના પરિસરમાં કોઈપણ ફેરફાર કરવા માટે સંબંધિત બોર્ડની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે. આ પ્રકારના કોઈપણ ફેરફાર માટે મેળવેલ મંજૂરીના દસ્તાવેજો રજૂ કરેલ નથી.
શાળાના પરિસરમાં પુસ્તકોનું વેચાણ કરવું એ નફાખોરી સમાન છે. ગુજરાત સ્વનિર્ભર શાળા (ફી નિયમન) અધિનિયમ, ૨૦૧૭ની કલમ ૨ હેઠળ ’નફાખોરી’ પર પ્રતિબંધ છે. કોઈ પણ બોર્ડ સાથે જોડાણ અંતંગેના પેટા-નિયમો પણ શાળાઓને કોઈપણ પ્રકારની વ્યાપારી પ્રવૃત્તિઓથી દૂર રહેવા અને બિન-નફાકારક સંસ્થા તરીકે કામ કરવા નિર્દેશ આપે છે. શાળા દ્વારા રજૂ થયેલ ઓડીટેડ હિસાબમાં પુસ્તકોના વેચાણ અંગે દસ્તાવેજ રજૂ કરવામાં આવેલ છે. જે કાયદાનો સ્પષ્ટ ભંગ થયો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટીએ જણાય છે. શાળાને બે પાળીમાં ચલાવતા પૂર્વે સંબંધિત બોર્ડની મંજૂરી લેવી અનિવાર્ય છે. બે પાળીમાં શાળા ચલાવવા માટે અલગ સ્ટાફ, અલગ રેકોર્ડ, અને બોર્ડની મંજૂરી જેવી શરતોનું પાલન કરવું પડે છે. આ અંગેની મંજૂરીના કોઈ દસ્તાવેજો રજૂ કરવામાં આવેલ નથી, જે એક ક્ષતિ કહી શકાય.
લીઝધારક અને સંચાલક સંસ્થા અલગ-અલગ હોઈ ભાડાકરારની શરતોનો ભંગ થયો છે તેમ પ્રથમ દ્રષ્ટિ એ જણાય છે. શાળાએ રજૂ કરેલ નકશા મુજબ શાળા કેમ્પસમાં માત્ર બે જ બિલ્ડીંગનો ઉલ્લેખ કરેલ છે અને બી બ્લોકના જ વિગતે નકશા રજૂ કરેલ છે, જે વર્ષ ૨૦૧૫ માં મંજૂર કરાવેલ છે જ્યારે શાળામાં એએલપીએચએ,એસએચઇએલઓએમ અને ઓએમઇજીએ એમ ત્રણ બિલ્ડીંગ આવેલ છે. શાળાએ માત્ર બી બ્લોકનું જ બી.યુ.પરમીશન સર્ટીફીકેટ રજૂ કરેલ છે જે તા.૨૦/૬/૨૦૦૯ના રોજ મેળવેલ છે. હાલના બાંધકામ મુજબનું બી.યુ. પરમીશન રજૂ કરેલ નથી.