સંતરામપુરના એન્દ્રા ગામે ખેતર માંથી ૮ ફૂટ લાંબા અજગરનું વન વિભાગ દ્વારા રેસ્ક્યૂ

મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના એન્દ્રા ગામે એક ખેડૂતના ખેતરમાં આશરે ૮ ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો. ખેતરમાં કામ કરી રહેલા મજૂરોમાં ભયનો માહોલ સર્જાતા, વન વિભાગ અને એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સફળ રેસ્ક્યુ હાથ ધર્યું હતું.

આ ઘટના ત્યારે બની જ્યારે ખેડૂતો ખેતીકામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક મહાકાય અજગર નજરે પડતાં મજૂરોમાં દોડધામ મચી ગઈ હતી. મજૂરોએ તાત્કાલિક એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ બંને ટીમો સ્થળ પર પહોંચી અને ભારે સાવચેતી સાથે અજગરનું સફળ રેસ્ક્યુ કર્યું.

રેસ્ક્યુ કર્યા બાદ અજગરને રહેણાંક વિસ્તારથી દૂર સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. મહીસાગર જીલ્લામાં ચોમાસાની ઋતુમાં સરિસૃપ જીવો રહેણાંક અને ખેતી વિસ્તારોમાં દેખાવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. વન વિભાગે લોકોને સાવચેત રહેવા અને આવા કોઈ જંગલી પ્રાણી દેખાય તો જાતે પકડવાનો પ્રયાસ કર્યા વગર તાત્કાલિક વન વિભાગ અથવા રેસ્ક્યુ ટીમને જાણ કરવા અપીલ કરી છે.