
ગોધરા સબ જેલમાં છેલ્લા પાંચ મહિનાથી પતિની હત્યાના આરોપસર બંધ એક મહિલાને અદાલતે જામીન મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે તેમની સાથે જેલમાં રહેતો ચાર વર્ષનો માસૂમ પુત્ર પણ બહાર આવ્યો હતો.
આ ઘટના પંચમહાલ જીલ્લામાંથી સામે આવી છે. ઘોઘંબા તાલુકાના દામાવાવ પોલીસ મથકમાં ગત ફેબ્રુઆરીમાં એક મહિલા વિદ્ધ પતિની હત્યાનો ગુનો નોંધાયો હતો. આ ગુના હેઠળ મહિલા છેલ્લા પાંચ મહિનાથી ગોધરા સબ જેલમાં કાચા કામના બંદીવાન તરીકે હતી.

મહિલાની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હોવાથી તેના પરિવારજનો જામીન કરાવી શકે તેમ નહોતા. મહિલાને એક સાત વર્ષની દીકરી અને એક ચાર વર્ષનો પુત્ર છે. દીકરીને મહિસાગરના બાળ સુરક્ષા હોમમાં રાખવામાં આવી હતી, જ્યારે ચાર વર્ષનો નાનો પુત્ર માતા સાથે જ જેલમાં રહીને બાલવાડીનો અભ્યાસ કરતો હતો.
માસૂમ બાળકોના ભવિષ્યની ચિંતા કરીને ગોધરા સબ જેલના જેલ અધિક્ષક આર. બી. મકવાણાએ આ બાબતે રસ દાખવ્યો હતો. તેમણે એકગૠઘનો સંપર્ક કરીને મહિલાને કાનૂની સહાય મળે તે માટે નિ:શુલ્ક કેસ લડી શકે તેવા મહિલા વકીલ મમતાબેન વ્યાસ, વકીલ મોહમદ જુનેદ મકરાણી અને એમ. આઈ. મકરાણી સાથે મુલાકાત કરાવી હતી.
આ ત્રણેય વકીલોએ હાલોલની સેશન્સ કોર્ટમાં મહિલાનો કેસ સંપૂર્ણપણે નિ:શુલ્ક લડ્યો હતો. વકીલોના પ્રયાસો અને દલીલોને ધ્યાને લઈને અદાલતે મહિલાના વચગાળાના જામીન મંજૂર કર્યા હતા.
જામીન પર મુક્ત થતાં જ માતા સાથે જેલમાં રહેતા ચાર વર્ષના માસૂમ બાળકને ખુશી થઈ હતી. ગોધરા સબ જેલની બહાર નીકળતા જ તેના મુખમાંથી “ભારત માતા કી જયનો નારો ગૂંજી ઊઠ્યો હતો. આ કાનૂની સહાયને કારણે આ ગરીબ પરિવારને ફરી એક થવાની તક મળી છે.