મહીસાગર જીલ્લાના કાળા ખેતરા (ખાનપુર) ખાતે બાગાયત સહાય યોજનાઓ, ઓઇલ પામની વૈજ્ઞાનિક ખેતી તેમજ પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ કાર્યક્રમ સંપન્ન

મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના કાળા ખેતરા ગામે આજ રોજ બાગાયત સહાય યોજનાઓ, ઓઇલ પામની વૈજ્ઞાનિક ખેતી તેમજ પ્રાકૃતિક ખેતી અંગે એક દિવસીય ખેડૂત તાલીમ-શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ખાનપુર તાલુકાના આસપાસના વિસ્તાર માંથી ૧૦૦થી પણ વધુ ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

તાલીમ દરમિયાન મદદનીશ બાગાયત નિયામક મનોજ આર. ટાક દ્વારા બાગાયતી પાક વિષયક વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. તેમણે ઓઇલ પામ પાકનું મહત્વ, યોગ્ય જમીન અને હવામાનની પસંદગી, ગુણવત્તાયુક્ત રોપાઓનું વાવેતર, ખાતર અને સિંચાઈ વ્યવસ્થાપન, જીવાત-રોગ નિયંત્રણ, પાકની જાળવણી તેમજ સમયસર કાપણીની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને માર્કેટિંગ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.

બાગાયત અધિકારી નરેન્દ્ર જોશિયારા દ્વારા ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓ તથા ઓઇલ પામની ખેતીથી લાંબા ગાળે વધુ આવક મેળવવાની તકો અંગે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા અને ખેડૂતોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

ઉપરાંત પતંજલિ લિ. ના પ્રતિનિધિ પ્રકાશભાઈ દ્વારા ઓઇલ પામ વિષય પર ટેકનિકલ માહિતી અને કંપની તરફથી મળનારી સુવિધાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી. આત્મા ના પ્રતિનિધિ અજીતભાઈ દ્વારા પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ વિશે જાણકારી અપાઈ. વધુમાં પ્રગતિશીલ ખેડૂત દિલીપભાઈ પરમાર દ્વારા પ્રાકૃતિક ખેતીના સફળ અનુભવો શેર કરવામાં આવ્યા.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત ખેડૂતોને આધુનિક, વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક ખેતી અપનાવી પોતાની આવકમાં વધારો કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.