ગોધરા-ડાકોર-સેવાલિયા જેવા અત્યંત ધમધમતા મુખ્ય માર્ગ પર ભુગર્ભ ગટરની ચાલી રહેલી કાચબા ગતિની કામગીરીને કારણે રસ્તાની સ્થિતિ અત્યંત દયાજનક બની ગઈ છે. ચોમાસાની સીઝનમાં રસ્તા પર પાણી ભરાઈ જતાં અને કાદવ-કિચડનુ સામ્રાજય છવાતા વાહનચાલકો, રાહદારીઓ તથા સ્થાનિક વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગોધરા સિગ્નલ ફળિયા અને આસપાસના વિસ્તારોમાં ભુગર્ભ ગટરની ચેમ્બરો ઉભરાવવાની વર્ષો જુની નર્કાગાર જેવી સમસ્યા બાદ બે માસ અગાઉ અહિં નવીન લાઈન નાંખવાની કામગીરી શ કરવામાં આવી હતી. ૨૪ કલાક સતત ટ્રાફિકનુ ભારે ભારણ ધરાવતા આ માર્ગનો એક તરફનો હિસ્સો સદંતર તોડી પાડવામાં આવ્યો છે. જેના કારણે વાહન વ્યવહાર એક તરફી થઈ ગયો છે. હાલ વરસાદી મોસમમાં ખુલ્લા પડેલા માર્ગ પર મોટા ખાડાઓ અને પાણી ભરાતા અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે. વેપારીઓને ધંધા-રોજગાર પર પણ માઠી અસર પડી રહી છે. સ્થાનિકોએ આ કામગીરી ઝડપથી પુર્ણ કરી નવીન માર્ગને ખુલ્લો મુકવા માંગ કરી છે.