મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલી પુષ્પમ વિલા સોસાયટીમાં મધ્યરાત્રિએ ચોરીની ધટના સામે આવી છે. અજાણ્યા તસ્કરોએ એક જ રાતમાં ચાર જેટલા બંધ મકાનોને નિશાન બનાવી દરવાજાના સેન્ટ્રલ લોક તેમજ તિજોરીઓ તોડી સોના-ચાંદીના કિંમતી દાગીના અને રોકડ રકમની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ખાસ વાત એ છે કે, સોસાયટીમાં પી.આઈ.,પી.એસ.આઈ.અને પાંચ જેટલા પોલીસ કોન્સ્ટેબલ રહી રહ્યા હોય ત્યાં જ તસ્કરોએ ચોરી આચરીને સીધી પોલીસ તંત્રને ખુલ્લી ચેલેન્જ આપી છે. તસ્કરોએ ચોરી કરેલા ચાર મકાનો પૈકી એક મકાન ખુદ પોલીસ કોન્સ્ટેબલનુ હોવાનુ સામે આવ્યુ છે. વરસાદનો લાભ લીધા હોવાની વાત જાણવા મળેલ છે. મધ્યરાત્રિએ દરવાજાના સેન્ટ્રલ લોક અને તિજોરીના તાળા તોડી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ચોરી ગયાની જાણ થતાં જ રહિશોમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. અને તુરંત જ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી. હાલમાં પોલીસે ગુનો નોંધી ધટના સ્થળનુ નિરીક્ષણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.