દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં રજવાડી સમયનુ મહારાજા પુષ્પસિંહજી સાહેબના સમયે લોકોની સુવિધા માટે તળાવ બાંધવામાં આવ્યુ હતુ. વર્ષો બાદ દેખરેખ અને રિપેરીંગ કામના અભાવે આ તળાવ આજે ખુબ જ દયનીય હાલતમાં છે. કાદવ-કિચડ, કચરો આ તળાવના ધાટ જોઈને ગ્રામજનોમાં ભારે નારાજગી ફેલાઈ છે.
સંજેલી નગરમાં રજવાડી સ્ટેટ સમયે નિર્માણ પામેલા તળાવની ફરતે ત્રણ મંદિરો આવેલા છે. નગરના લોકો રોજ સવારે આ મંદિરોમાં દર્શને આવતા હોય છે. તેમજ તળાવના ધાટ પર નગરની મહિલાઓ આજે પણ કપડા ધોવા માટે આવે છે. આ ઉપરાંત દર વર્ષે તાજીયા, દશામાં અને ગણેશજીની મુર્તિઓનુ વિસર્જન પણ આ તળાવમાં થાય છે. ત્યારે તળાવના મુખ્ય ધાટની દુર્દશા જોવા મળે છે. ચારે તરફ કાદવ-કિચડના ઢગલા, અને પ્લાસ્ટિકનો કચરો પણ જોવા મળે છે. અગાઉ ધાટના કેટલાક પગથિયા તુટી ગયા હતા. મુખ્ય ધાટનુ ધોવાણ થઈ રહ્યુ છે.જેના રિપેરીંગ માટે પંચાયત અને તાલુકામાં રજુઆત કરાઈ હતી. આ ઉપરાંત બીજો ધાટ અને નવા બનાવેલ ધાટના કામમાં પણ વેઠ ઉતારતા તેના ૫ગથિયા અને પાળોનુ ધોવાણ થયેલુ છે. નીચે મોટો ભુવો પડેલો હોવાથી આ વર્ષે ચોમાસામાં પાણીનો સંગ્રહ થાય તેમ જણાતુ નથી. આ બાબતે આગામી દિવસોમાં આવનાર ગણેશ મહોત્સવમાં વિસર્જન પુર્વે તળાવના ધાટનુ સમારકામ કરાવી ગંદકીની સાફસફાઈ કરવા માંગ કરાઈ છે.