છોટા ઉદેપુર જીલ્લામાં નેશનલ હાઈવે ૫૬ પર શિહોદ નજીક ભારજ નદી પરનું ડાયવર્ઝન ભારે વરસાદ અને નદીમાં પૂર આવવાને કારણે ધોવાઈ ગયું છે. આ ઘટનાને પગલે જીલ્લા મથક છોટા ઉદેપુર સાથેનો સીધો સંપર્ક કપાઈ ગયો છે. જીલ્લાવાસીઓને હવે ૪૦ કિલોમીટરનો લાંબો ફેરાવો ફરજીયાત બન્યો છે.
આ ડાયવર્ઝન ભારજ નદી પરના મુખ્ય પુલના તૂટી જવાને કારણે બનાવવામાં આવ્યું હતું. ત્રણ વર્ષ પહેલાં, ૨૯ જુલાઈ ૨૦૨૩ના રોજ, પુલનો એક પિલર બેસી ગયો હતો, જેના કારણે વાહનવ્યવહાર બંધ કરાયો હતો. ત્યારબાદ ૨૦૨૪માં પુલનો એક ભાગ સંપૂર્ણપણે ધરાશાયી થતાં વાહનવ્યવહાર સદંતર બંધ કરી દેવાયો હતો.
છેલ્લા ત્રણ વર્ષમાં આ ત્રીજી વખત છે, જ્યારે ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. અગાઉ બે વખત અનુક્રમે . ૨.૩૧ કરોડ અને . ૪ કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યા હતા, પરંતુ તે બંને ચોમાસાના પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયા હતા. છ મહિના પહેલા શિયાળામાં માટી પુરાણ કરીને ત્રીજી વખત ડાયવર્ઝન બનાવાયું હતું, જે આજે તૂટી પડ્યું છે.
ડાયવર્ઝન તૂટી જતાં જીલ્લાવાસીઓને ફરીથી ૪૦ કિલોમીટરનો વધારાનો પ્રવાસ કરવો પડશે. પાવી જેતપુરથી બોડેલી જવા માટે હવે ડુંગરવાંટ, વાંકી અને શિહોદ થઈને જવું પડશે. એક વૈકલ્પિક રસ્તો પાવી જેતપુર વન કુટીરથી રંગલી ચોકડી અને મોડાસર ચોકડી થઈને બોડેલી સુધીનો છે, પરંતુ આ રસ્તા પર નવીનીકરણની કામગીરી ચાલી રહી હોવાથી અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.