નવાબંદર પોલીસે ઇંગ્લિશ દારૂ સાથે બુટલેગરને ઝડપ્યો, કારના ગેસના બાટલામાં ચોરખાનું બનાવી દારૂ છુપાવતો

કેન્દ્રશાસિત પ્રદેશ દિવમાંથી ગુજરાતમાં ગેરકાયદે રીતે ઇંગ્લિશ દારૂ ઘુસાડવાનો પ્રયાસ નવાબંદર મરીન પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. બૂટલેગર દ્વારા ફોર વ્હીલ કારના ગેસના બાટલામાં ચોરખાનું બનાવી દારૂ છુપાવવામાં આવતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

આગામી ૨૫ ડિસેમ્બર નાતાલ થી ૩૧ ડિસેમ્બર નવા વર્ષના તહેવારોને યાનમાં રાખી દિવગુજરાત રૂટ પર દારૂની હેરાફેરી વધતી હોવાની આશંકા વચ્ચે નવાબંદર મરીન પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું, તે દરમ્યાન નાલીયામાંડવી નગીના ઢોરા વિસ્તારમાં દિવ તરફથી આવી રહેલી સ્વીટ ડિઝાયર કારને અટકાવી તપાસ કરતા કારની ડીકીમાં મુકાયેલા ગેસના બાટલામાં બનાવેલા ચોરખાના માંથી ઇંગ્લિશ દારૂની ૧૯ બોટલો મળી આવી હતી.

પોલીસે દારૂની હેરાફેરીમાં વપરાયેલ કાર સહિત કુલ રૂ. ૨.૭૬ લાખનો પ્રોહી મુદ્દામાલ કબજે કરી બુટલેગર માંગરોળના શાપુરના રહેવાસી રાહુલ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં બુટલેગર વિરુદ્ધ પ્રોહીબીશન કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહીથી દિવગુજરાત માર્ગ પર દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.