વિરપુરના સરદાર પટેલ અનાજ માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ખરીદી ચાલુ થતા 2678 ગુણ મગફળી અને 733 કટ્ટા સોયાબીનની આવક નોંધાઈ છે.
વિરપુરના ધોરવાડા રોડ આવેલ સરદાર પટેલ અનાજ માર્કેટયાર્ડ ખાતે સરકાર દ્વારા જાહેર કરેલ ટેકાના ભાવે 13 નવેમ્બરથી મગફળીની ખરીદી ચાલુ કરેલ છે. જેમાં બાલાસિનોર તાલુકાના 154 અને વિરપુર તાલુકાના 38 ખેડુતોએ ઓનલાઈન મગફળી વાવેતરનુ રજીસ્ટ્રેશન કરેલ છે.જેમાંથી 93 ખેડુતોને મેસેજથી ખરીદીની તારીખ, સમયથી જાણ કરવામાં આવી હતી. જેમાંથી 49 ખેડુતો દ્વારા 2678 ગુણ આજ સુધીમાં મગફળીની આવક થયેલ છે. જયારે 20 નવેમ્બરથી સોયાબીનની ખરીદી ચાલુ થયેલ છે. જેમાં 27 ખેડુતોની 733 કટ્ટા આવક થયેલ છે. આમ ખેડુતો પોતાની ઉપજ સરકારી ટેકાના ભાવે આપતા રાહત અનુભવી રહ્યા હતા.જયારે બાલાસિનોરના નટવરપુરાના ખેડુત પટેલ ચેતનભાઈએ મગફળીની ઉપજ ટેકાના ભાવે વિરપુર ખાતે આવેલ સરદાર પટેલ અનાજ માર્કેટયાર્ડમાં આપવા આવતા વિરપુર માર્કેટયાર્ડની સવલિયત અને સરકાર દ્વારા અપાયેલ ટેકાના ભાવથી સંતુષ્ઠ હોવાનુ જણાવેલ હતુ.