રથયાત્રાને લઈ બાલાસિનોરમાં શાંતિ સમિતિની બેઠક સર્વ સમાજે આપ્યો સહયોગ

આગામી ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી બાલાસિનોર પોલીસ દ્વારા સિદ્ધનાથ મહાદેવ ખાતે આવેલા સિદ્ધનાથ પાર્ટી પ્લોટમાં શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક (એસપી) સફિન હુસેનના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ડીવાયએસપી કમલેશ વસાવા, બાલાસિનોર પોલીસ ઇન્સ્પેક્ટર બી. એમ. પટેલ, વિવિધ પોલીસ અધિકારીઓ, શહેરના વિવિધ સમાજોના આગેવાનો, ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, વેપારી એસોસિએશનના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન ભગવાન જગન્નાથજીની રથયાત્રાના ‚ટ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા આયોજન, સંવેદનશીલ વિસ્તારોમાં દેખરેખ તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોએ પણ પોતાના સૂચનો રજૂ કરતાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તે માટે પૂર્ણ સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.

એસપી સફિન હુસેને જણાવ્યું હતું કે રથયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની અફવા, ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ કે કાયદો-વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ સહન કરવામાં આવશે નહીં. સોશિયલ મીડિયામાં ભ્રામક માહિતીથી દૂર રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી.

બેઠકના અંતે પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિર્વિઘ્ને અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક નિયંત્રણ અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તમામ સમાજના આગેવાનો અને નાગરિકોએ પણ ભાઈચારો અને સૌહાર્દ જાળવી રથયાત્રાને સફળ બનાવવા પોલીસ તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.