બાલાસીનોર સાયન્સ કોલેજમાં અગ્નિવીર તરીકે પસંદગી થયેલ વિદ્યાર્થીનું સન્માન

બાલાસિનોર સ્થિત નવગુજરાત સાયન્સ કોલેજના વિદ્યાર્થી યોગેશ ચૌહાણ ભારતીય સેનાની અગ્નિવીર યોજનામાં પસંદગી પામતા કોલેજ પરિવાર દ્વારા તેમનું ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીની આ સિદ્ધિને સમગ્ર સંસ્થા માટે ગૌરવની ક્ષણ ગણાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી સમીરભાઈ શેખ, આચાર્ય ડો.એન.આર. ચૌહાણ તથા કેમ્પસ ડિરેક્ટર ડો.ડી.પી. માછીના હસ્તે યોગેશ ચૌહાણને પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

વક્તાઓએ જણાવ્યું હતું કે, દેશસેવા માટે ભારતીય સેનામાં જોડાવું એ દરેક યુવાન માટે ગૌરવની બાબત છે. અગ્નિવીર તરીકે યોગેશ ચૌહાણની પસંદગી માત્ર તેમના પરિવાર જ નહીં પરંતુ સમગ્ર કોલેજ અને વિસ્તાર માટે પણ ગૌરવની ક્ષણ છે. તેમની આ ઉપલબ્ધિ અન્ય વિદ્યાર્થીઓને પણ દેશપ્રેમ, શિસ્ત અને રાષ્ટ્રસેવાની ભાવનાથી પ્રેરિત કરશે.

બાલાસીનોર સાયન્સ કોલેજમાં અગ્નિવીર તરીકે પસંદગી થયેલ વિદ્યાર્થીનું સન્માન

કાર્યક્રમ દરમિયાન કોલેજના પ્રાધ્યાપકો, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સન્માન સમારોહનું આયોજન કોલેજના પ્રાધ્યાપક વિમલ પ્રજાપતિ દ્વારા સુચા‚ રીતે કરવામાં આવ્યું હતું. અંતે નવગુજરાત સાયન્સ કોલેજ પરિવાર દ્વારા યોગેશ ચૌહાણને ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી તેમના સફળ સૈન્ય જીવન માટે શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.