પાલનપુરમાં પતિએ જ પત્નીને ૫૦ હજારમાં મિત્રોને વેચી દીધી, મિત્રોએ દાગીના લૂંટી દુષ્કર્મ આચર્યું

બનાસકાંઠાના પાલનપુરમાં માનવતા શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જ્યાં એક નરાધમ પતિએ પોતાની જ પત્નીને ૫૦,૦૦૦ રૂપિયામાં મિત્રોને વેચી દીધી હતી. ખરીદનારા શખ્સોએ મહિલાના દાગીના લૂંટી તેની પર વારંવાર દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ તેને અન્ય જગ્યાએ વેચી દીધી. પોલીસે આ મામલે કળિયુગી પતિ સહિત ૫ શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો, મૂળ ધાનેરાના અને હાલ પાલનપુરમાં રહેતા એક શખ્સે ૧૧ મેના રોજ પોતાની પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે નોંધાવી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન જ ૧૩ મેના રોજ પતિ પોતે પણ રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો, જેની જાણ પૂર્વ પોલીસ મથકે કરાઈ હતી. બન્નેના એકસાથે ગુમ થવાથી પોલીસને પતિ પર જ શંકા ગઈ હતી.

પોલીસે સઘન શોધખોળ કરીને પતિ-પત્ની બન્નેને શોધી કાઢ્યા હતા. જ્યારબાદ બન્નેને પોલીસ સ્ટેશન લાવી બનાવ સંબંધે કડકાઈથી પૂછપરછ કરતા પતિએ પોતે જ આ કાવતરું ઘડ્યું હોવાની કબૂલાત કરી હતી. તેને પોતાની પત્ની ગમતી નહોતી, તેમજ તેની સાથે મનમેળ ન હોવાથી અને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હતો. તે પ્રેમિકાને ઘરમાં લાવવા માંગતો હતો, પરંતુ સામાજિક રીતે પત્ની સાથે છૂટાછેડા થતા ન હોવાથી તેણે આ ઘૃણાસ્પદ ગુનો આચર્યો હતો.

આરોપી પતિએ તેના મિત્રો સંજય ઠાકોર, અશોક ઠાકોર અને સચિન દરબાર સાથે મળીને પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ૫૦,૦૦૦ રૂપિયામાં પોતાની પત્નીનો સોદો કરી તેને મિત્રોને સોંપી દીધી હતી. જ્યારબાદ પતિના મિત્રોએ મહિલાના ઘરેણાં બળજબરીપૂર્વક પડાવી લીધા, તેને સાત દિવસ સુધી ગોંધી રાખી અને તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, ત્યારપછી તેમણે મહિલાને અન્ય જગ્યાએ પણ વેચી દીધી હતી.

આ સમગ્ર બનાવ અંગે પાલનપુર પોલીસે ૫ આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેમની આકરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં મુખ્ય આરોપી પતિ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવવાનું સામે આવ્યું છે અને અગાઉ પણ અન્ય યુવતીઓને ભગાડી ગયાનું સામે આવ્યું છે. પોલીસે એક મહિલા સહિત ૭ આરોપીઓ સામે ગુનો નોંધીને આરોપીઓના ૩ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે