
મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાનુ કાકચીયા ગામ ત્રણ પવિત્ર નદીઓના સંગમ સ્થાન તરીકે ખ્યાતિ પામી રહ્યુ છે. મહિસાગર, પાનમ, અને વેરી નદીના આ પવિત્ર ત્રિવેણી સંગમ પર શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે અહિં નદી કિનારે વ્યવસ્થિત ધાટ બનાવવામાં આવે તેવી માંગણીએ વેગ પકડ્યો છે.
કાકચીયા ખાતે આવેલા આ સંગમ તીર્થ પર ૨૦૦ થી ૩૦૦ વર્ષ પુરાણી અતિ પ્રાચિન શિવજીનુ મંદિર આવેલુ છે. આ સ્થળનુ ધાર્મિક મહત્વ એટલુ છે કે, આસપાસના જિલ્લાઓમાં લોકો અહિં પોતાના સ્વજનોની અસ્થિઓ પધરાવવા અને દશામાની વિધિ કરવા માટે મોટી સંખ્યામાં આવે છે. ખાસ કરીને અમાસના દિવસે અને પવિત્ર તહેવારો પર હજારોની મેદની અહિં સંગમમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે. અગાઉ અહિં માત્ર સ્થાનિક લોકો જ આવતા હતા. પરંતુ હવે આ સ્થળની ખ્યાતિ વધતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓનો પ્રવાહ વધ્યો છે. તેમ છતાં અહિં નદી કિનારે પાકો ધાટ ન હોવાથી શ્રદ્ધાળુઓને પુજા-વિધિ કરવામાં અને સ્નાન કરવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. નદીના પટમાં પથરાયેલા ૫થ્થરો અને વ્યવસ્થિત કિનારો ન હોવાથી અકસ્માતનો ભય પણ રહે છે. કાકચીયા ગામના લોકો અને અહિં આવતા પ્રવાસીઓ દ્વારા સરકાર અને વહીવટી તંત્ર પાસે એવી માંગ કરવામાં આવી છે કે, ત્રિવેણી સંગમ પર શ્રદ્ધાળુઓ માટે સુવિધાયુકત પાકો ધાટ બનાવવામાં આવે. સ્થળને પ્રવાસન અને ધાર્મિક યાત્રાધામ તરીકે વિકસાવવામાં આવે. યાત્રિકો માટે પીવાના પાણી અને બેસવાની યોગ્ય વ્યવસ્થા ઉભી કરાય. જો તંત્ર દ્વારા આ પવિત્ર સંગમ સ્થાને ધાટનુ નિર્માણ કરવામાં આવે તો આ સ્થળ મહિસાગર જિલ્લાનુ એક ઉત્તમ ધાર્મિક પર્યટન કેન્દ્ર બની શકે તેમ છે.