કોંગ્રેસના અભેદ કિલ્લામાં ભાજપનું ‘ગાબડું’: ૭૯ વર્ષના કોંગ્રેસના શાસનનો સફાયો, જેસાવાડામાં ભગવો લહેરાયો!

આઝાદીના સાત દાયકા કરતા વધુ સમયથી જે જેસાવાડા સીટ કોંગ્રેસનો અજય ગઢ ગણાતી હતી, ત્યાં આજે ઈતિહાસ બદલાયો છે. ૭૯ વર્ષના લાંબા ગાળા બાદ કોંગ્રેસના આ ’દિગ્ગજ ગઢ’ને ભાજપે પછાડીને ધ્વસ્ત કરી નાખ્યો છે. જેસાવાડા ૧૩-તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર ઉપેશભાઈ કટારા એ ભવ્ય વિજય મેળવીને કેસરીયો લહેરાવ્યો છે. આઝાદી પછી પહેલીવાર જેસાવાડાની જનતાએ કોંગ્રેસના શાસનનો અંત આણી ભાજપ પર ભરોસો મૂક્યો અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (અઅઙ) ના ગઠબંધન કે જોરને પછાડીને ભાજપે એકહથ્થુ જીત મેળવી છે ભાજપના ઉમેદવાર ઉપેશભાઈ કટારાનો ૧૪૦૦ થી વધુ મતો ની સરસાઈથી ભવ્ય વિજય થયો છે. ભાજપના પાયાના કાર્યકરોની રાત-દિવસની મહેનત અને વ્યૂહરચના સામે કોંગ્રેસના દિગ્ગજોના પાસા ઊંધા પડ્યા. જેસાવાડા બેઠક પર અત્યાર સુધી કોંગ્રેસના મોટા ગજાના નેતાઓનું શાસન રહ્યું હતું. વર્ષોથી આ બેઠક કોંગ્રેસ માટે સુરક્ષિત માનવામાં આવતી હતી, પરંતુ આ વખતે ભાજપે જે રીતે આક્રમક પ્રચાર અને જનસંપર્ક કર્યો, તેનાથી કોંગ્રેસના પાયા હચમચી ગયા છે.

“આ જીત એ માત્ર ભાજપની નથી, પણ જેસાવાડાના વિકાસની અને પરિવર્તનની ઈચ્છા રાખનારા દરેક મતદારની છે. કાર્યકરોની સખ્ત મહેનત રંગ લાવી છે.” ઉમેશભાઈ કટારા

આ ચૂંટણીમાં કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટીએ પણ જોર લગાવ્યું હતું, પરંતુ મતદારોએ ભાજપના વિકાસના એજન્ડાને સ્વીકારીને બંને વિરોધ પક્ષોને પરાસ્ત કર્યા છે. ૧૪૦૦ મતોની લીડ એ દર્શાવે છે કે જનતા હવે પરિવર્તન ઝંખતી હતી. આ ઐતિહાસિક જીત બાદ સમગ્ર પંથકમાં ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી અને વિજય સરઘસ કાઢીને જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. ૭૯ વર્ષનો આ વનવાસ પૂરો થતા ભાજપ છાવણીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.