ઝાલોદ તાલુકાના શંકરપુરા ગામના આશ્રમ ફળિયામાં આજે વહેલી સવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના રહીશ ડામોર કનુભાઈ ગજાના રહેણાંક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતાં આખું મકાન બળીને ખાખ થઈ ગયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, આજે સવારે અંદાજે ૪:૩૦ વાગ્યાના સુમારે અચાનક અજાણ્યા કારણોસર મકાનમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વપ ધારણ કરી લીધું અને મકાન સંપૂર્ણપણે તેની ઝપેટમાં આવી ગયું હતું. મકાનમાંથી ધુમાડાના ગોટેગોટા ઉડતા જોઈ આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
ગ્રામજનોએ પોતાના સ્તરે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ એટલી પ્રચંડ હતી કે ઘરવખરીનો મોટાભાગનો સામાન, અનાજ, કપડા તેમજ જરી દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા છે.
સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જે મોટી રાહતની બાબત છે. તેમ છતાં, ડામોર પરિવારને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે અને તેઓ હાલ મુશ્કેલીમાં મુકાયા છે.
પ્રાથમિક અનુમાન મુજબ, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે સત્તાવાર કારણ અંગે હજુ તપાસ ચાલુ છે.
આ દુર્ઘટના બાદ પીડિત પરિવારે સ્થાનિક તંત્રને યોગ્ય સર્વે કરી સરકારી સહાય અને વળતર આપવા માટે માંગ કરી છે, જેથી તેઓ ફરીથી પોતાનું જીવન સંભાળી શકે.
સ્થાનિક સ્તરે પણ લોકો દ્વારા મદદ માટે આગળ આવવાની અપીલ કરવામાં આવી રહી છે, જેથી પીડિત પરિવારને આ કપરા સમયમાં સહારો મળી શકે.